મનની વાતમાં પીએમ મોદીએ કહ્યું: ‘હાર-જીત કરતાં રમવું એ મહત્વનું છે’

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે એક વખત ફરીથી પોતાના ખાસ રેડિયો કાર્યક્રમમાં મન કી બાત દ્વારા દેશની જનતા સાથે વાત કરી હતી. આ માટે પ્રધાનમંત્રીએ શનિવારે ટ્વિટ પર આ કાર્યક્રમમાં જોડાવવા માટે અપીલ કરી હતી. મન કી બાતનું આ 22મું સંસ્કરણ છે.

મોદીએ પોતાના આ કાર્યક્રમમાં દરેક દેશની જનતાને રિયો ઓલમ્પિક માટે ખેલાડીઓને શુભકામના પાઠવી. તેમણે લોકોને એવી અપીલ કરી કે એન્ટીબાયોટિક દવા ડોક્ટરની સલાહ પ્રમાણે લો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું માનું છું આવનારા દિવસોમાં દેશમાં રમનો રંગ દરેક યુવાનોમાં રંગાઇ જશે. થોડાક દિવસોમાં જ વિશ્વનો સૌથી મોટી રમતનો મહાકુંભ થવા જઇ રહ્યો છે. રિયો આપણા કાનમાં વારંવાર સંભળાશે. આપણી આશાઓ તો ઘણી હોય છે, પરંતુ રિયોમાં જે રમવા માટે ગયા છે, તેમનો નિર્ણય મક્કમ કરવાનું કામ દેશના લોકોએ જ કરવાનું છે.

આ ઉપરાંત મોદીએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં આપણે જ્યાં પણ હોઇએ પણ આપણે ખેલાડીઓના પ્રોત્સાહન માટે કંઇક ને કંઇક કરીશું. અહીંયા સુધી જો ખેલાડીઓ પહોંચે છે તો ખૂબ મહેનત કર્યા પછી પહોંચે છે. એક પ્રકારની કઠોર તપસ્યા કરે છે. આપણે દરેક દેશવાસી રિયો ઓલમ્પિક માટે ગયેલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. તમે મને ‘NarendraModi App’ પર ખેલાડીઓના નામે શુભેચ્છા મોકલો. હું તમારી શુભેચ્છા તે લોકો સુધી પહોંચાડીશ.

તેમણે અબ્દુલ કલામને યાદ કરતાં કહ્યું હતું કે ગત અઠવાડિયે અબ્દુલ કલામજીની પુણ્યતિથી પર દેશ અને દુનિયાના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. અબ્દુલ કલામનું નામ આવતાં જ વિજ્ઞાન, ટેકનોલોજી, મિસાઇલ ભાવી ભારતનું ચિત્ર આપણી આંકો સામે અંકિત થઇ જાય છે. જો રિસર્ચ અને ઇનોવેશન થશે નહીં તો જેમ ભરેલું પાણી ગંદકી ફેલાવે છે તેમ ટેકવોલોજી પણ એક બોજ બની જાય છે.

એન્ટીબાયોટિકની દવાઓ જે વેચાય છે, તેના પત્તા પર લાલ કલરની લાઇન તમને સાવધાન કરે છે, તમે તેની પર જરૂર ધ્યાન આપો. હું આગ્રહ કરું છું કે ડોક્ટરે જેટલા દિવસ માટે લેવાની કીધી હોય તેનો કોર્સ પૂરો કરો. અધૂરો છોડશો નહીં. જો અધૂરો છોડી દેશો તો જીવાણુના ફાયદામાં જશે.

વધુમાં કહ્યું હતું કે સરકારે ‘પ્રધાનમંત્રી માતૃત્વ’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ દર મહિને 9 તારીખે દરેક ગર્ભવતી મહિલાઓની સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મફત તપાસ કરવામાં આવશે.

નોંધનીય છે કે પીએમ મોદી અત્યાર સુધી 21 વખત મન કી બાત કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ ગત 26 જૂનનો રોજ મન કી બાત કરી હતી.

You might also like