શહેરમાં ૧૬ દિવસમાં સ્વાઈનફલૂના ૨૨ કેસ નોંધાયાઃ ચાર વ્યક્તિનાં મોત

અમદાવાદ : શહેરમાં જાન્યુઆરીના ૧૬ દિવસમાં સ્વાઈનફલૂના કુલ ૨૨ કેસ નોંધાયા છે. તેમજ સ્વાઈનફલૂથી ચાર દર્દીના મોત નિપજ્યા છે. ઉપરાંત ડેન્ગ્યૂના ૧૩ અને સાદા મેલેરિયાના ૧૨ તથા ઝેરી મેલેરિયાના છ કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય બીમારીમાં પણ વધારો થયો છે જેમાં ઝાડા-ઊલટીના ૧૯૯, કમળાના ૧૫૧ અને ટાઈફોઈડના ૯૬ કેસ અને કોલેરાનો એક કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. શિયાળાની ઠંડીમાં વધારો થયા બાદ શહેરમાં સ્વાઈનફલૂના કેસમાં વધારો થયો છે.

જેમાં ૧૬ જાન્યુઆરી સુધી શહેરની વિવિધ હોસ્પિટલમાં સ્વાઈનફલૂના કુલ ૨૨ કેસ નોંધાયા છે. જેમાંથી જે ચાર દર્દીના મોત થયા છે તેમાં ગત સાતમીએ આંબાવાડીના એક ૬૬ વર્ષના પુરૂષનું, તેમજ સાતમીએ જ બાપુનગરના એક ૭૦ વર્ષના મહિલાનું સિવિલ હોસ્પિટલમાં, ગત છઠ્ઠીએ રન્નાપાર્કના એક પુરૂષનું ખાનગી હોસ્પિટલમાં તેમજ ગત ૧૩મીએ રખિયાલની એક ૨૮ વર્ષની મહિલાનું વી.એસ.હોસ્પિટલમાં મોત થયુ હતુ.

શહેરમાં સ્વાઈનફલૂના નવા કેસો નોંધાય નહિ તે માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના પગલાં લેવામાં આવે છે. તેમજ મ્યુ.કોર્પેેારેશન સંચાલિત હોસ્પિટલમાં અથવા અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. તેમજ રોગ અટકાવવા માટે વિવિધ ઉપાયો અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગત વર્ષે ૯,૫૨,૯૪૪ જેટલા લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ગત ૯ જાન્યુઆરી સુધીમાં ૧૯,૨૩૩ જેટલા લોહીના નમૂનાની તપાસ કરાઈ છે.

જ્યારે ડેન્ગ્યૂ ટેસ્ટ માટે ૨૦૧૫માં ૨૪,૦૫૭ સીરમ સેમ્પલ લેવાયા હતા. તેની સામે ૧૬ જાન્યુઆરી સુધીમાં ૫૯૯ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ ૧૮,૮૩૧ રેસી.કલોરીન ટેસ્ટ થયા છે. અને બેકટેરિયોલોજિકલ તપાસ માટે ૧૮૩૨ જેટલા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આ દરમિયાન ૬૭૭૨ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ ૩,૭૭,૯૦૦ જેટલી કલોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

તેમજ ગંદકી,પાણીની ટાંકીની સફાઈ અન બિન આરોગ્ય ખાદ્ય પદાર્થ અંગે ૧૧૭૮ને નોટિસ આપવામાં આવી છે. બીપીએમસી એકટ હેઠળ કોર્ટમાં ૧૮૧ ફરિયાદો દાખલ કરાઈ છે. તેમજ મોબાઈલ કોર્ટ દ્વારા ૪,૫૬,૮૫૦નો દંડ વસૂલાયો છે. અને ૮,૧૫,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૬ જાન્યુઆરી સુધીમાં ૯૬ જેટલા વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી એક નમૂનો અપ્રમાણિત જાહેર થયો છે. ૮૮ નમૂના તપાસવાના બાકી છે.

You might also like