જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે જેટની આખરી ફ્લાઇટ સાથે જેટ એરવેઝ હાલના તબક્કે બંધ કરી દેવામાં આવી છે. જેટ એરવેઝ બંધ થતાં તેના ૨૨ હજાર કર્મચારીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે.

આજે જેટ એરવેઝના કર્મચારીઓ એરલાઇન્સ બચાવવા માટે સરકાર દ્વારા દરમિયાનગીરીની માગણી કરશે અને નવી દિલ્હી ખાતે જંતરમંતર પર દેખાવો કરશે. કર્મચારી સંઘની એવી માગણી છે કે સરકાર જેટ એરલાઇન્સને બચાવવા હસ્તક્ષેપ કરે અને સાથે-સાથે તેમના બાકી પગારનું પેમેન્ટ તાત્કાલિક કરી દેવાય.

જેટ એરવેઝના કર્માચારીઓ આ અગાઉ મુંબઇમાં દેખાવ કરી ચૂક્યા છે, જ્યાં કંપનીનું હેડક્વાર્ટર છે. ગત કેલેન્ડર વર્ષમાં જેટ એરવેઝને રૂ. ૪,૨૪૪ કરોડની ખોટ થતાં જાન્યુઆરીથી જેટ એરવેઝના પાઇલટ, મેન્ટેનન્સ એન્જિનિયર અને મેનેજમેન્ટના વરિષ્ઠ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આ‍વ્યા નથી, જ્યારે અન્ય કર્મચારીઓને આંશિક પગાર ચૂકવાયા હતા, જોકે માર્ચનો પગાર તો તેમને પણ ચૂકવાયો નથી.

જેટ એરવેઝની શરૂઆત એક ટેક્સી એજન્સી તરીકે થઇ હતી અને હવે ૨૫ વર્ષની તેની સફરનો અંત આવી ગયો છે. અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા નરેશ ગોયલે ૧૯૬૭માં ૧૮ વર્ષની ઉંમરે ખાલી હાથે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમણે એક ટ્રાવેલ એજન્સી જોઇન્ટ કરી હતી.

ત્યારબાદ ધીમે ધીમે વિકાસ કરીને ૧૯૭૩માં ગોયલે સ્વયંની ટ્રાવેલ એજન્સી ખોલી હતી, જેનું નામ જેટ એર રાખવામાં આવ્યું હતું. ધીમે ધીમે ૧૯૯૧માં એર ટેક્સી તરીકે જેટ એરવેઝની શરૂઆત થઇ હતી. જેટ એરવેઝ બંધ થવાથી લખનૌથી દિલ્હી-મુંબઇ સહિત કેટલાંય શહેરોમાં વિમાની ભાડાં મોંઘાં થઇ ગયાં છે. પ્રવાસીઓને ૧૦થી ૨૦ ટકા ભાડું વધારે ચૂકવવું પડે છે.

You might also like