પત્નીને ભરણપોષણ ન અાપવું પડે તે માટે ડોક્ટર બે વર્ષથી લાપતા

અમદાવાદ: સમાજમાં જવલ્લેજ બનતા કિસ્સાઓમાંનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તે મુજબ માત્ર ભરણપોષણ જેવી નજીવી રકમ માટે એકેડેમિક કરિયરને દાવ ઉપર લગાવનાર ડોક્ટર પોતાની આજિવિકા છોડીને ફરાર થઇ ગયા છે. પત્નીને દર મહિને ભરપોષણ પેટે હાઇકોર્ટે નક્કી કરેલા 14 હજાર રૂપિયા નહીં આપતાં ડોક્ટરે ડોકટરી છોડી છેલ્લાં બે વર્ષથી લાપતા થઇ ગયો છે. પત્નીએ ડોક્ટર પતિ પાસે 9 લાખ ભરણપોષણ લેવાના નીકળતા હોવાથી ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.

નારણપુરા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા ડો. ભાવિક અમૃતલાલ વિહોતી વિરુદ્ધમાં તેની પત્ની શિલ્પા (નામ બદલેલ છે) ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ સહિત ભરણપોષણ અંગેની ફરિયાદ હાઇકોર્ટમાં કરી હતી. વર્ષ 2013માં હાઇકોર્ટે ડોક્ટર ભાવિકને ભરણપોષણ પેટે પ્રતિ માસ 14 હજાર રૂપિયા શિલ્પાને આપવા માટે આદેશ કર્યો હતા. ભાવિક ખેડાના આરોગ્ય કેન્દ્રમાં ડોકટર હતા અને શાહપુરમાં સવિતા ક્લિનિક પણ ચલાવતા હતા. હાઇકોર્ટે શિલ્પાને દર મહિને ભરણપોષણ પેટેના 14 હજાર રૂપિયાનો આદેશ કરતાં ભાવિકે તેની સરકારી નોકરી તથા ડોકટરી છોડીને ફરાર થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી ભાવિક લાપતા છે અને શિલ્પાને ભરણપોષણનો એક પણ રૂપિયો મળ્યો નથી.

ભાવિક પાસેથી 9 લાખ જેટલી ભરણપોષણની રકમ સાથે લેવાની બાકી હોવાથી શિલ્પાએ તેમના વકીલ અનીલ સોની મારફતે ફેમિલી કોર્ટમાં રૂપિયાની રિકવરી માટે અરજી કરી છે. અરજીના પગલે પોલીસે ભાવિકની માતાનું નિવેદન લીધું છે. જેમાં ભાવિક તેના ઘરે આવતો ન હોવાનું નિવેદન કોર્ટ સમક્ષ પોલીસે રજૂ કર્યું છે 1999માં ડોકટર ભાવિક અને શિલ્પાનાં લગ્ન થયાં હતાં લગ્ન જીવન દરમિયાન તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. ભાવિકના ચારિત્ર્યના મુદ્દે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. શિલ્પાએ ભાવિક વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ તથા ભરણપોષણની ફરિયાદ કરી હતી.

You might also like