સ્ટ્રૉબેરીના હેલ્થ બેનિફિટ જાણો

રોજ ચારથી છ સ્ટ્રોબેરી ખાઈ શકાય છે. કેમિકલયુક્ત અને લાલ રંગમાં બોળેલી નકલી સ્ટ્રૉબેરીથી દૂર રહેવું. સામાન્ય રીતે મૉલ કે સુપર માર્કેટમાં ફ્રોઝન કરેલી સ્ટ્રોબેરી મળે છે, પરંતુ તેવી સ્ટ્રોબેરી આરોગ્ય માટે હાનિકારક છે. સ્ટ્રોબેરી ત્યારે જ ખાવી જોઈએ જ્યારે તેની સિઝન હોય. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી, ફાઈબર્સ અને અઢળક પોષક તત્ત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે.

અમદાવાદના જાણીતા ડાયટિશિયન એન્ડ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. પ્રવીણ કામ્બલે જણાવે છે કે, ‘ફ્રૂટ્સમાં રહેલું આલ્કલાઈન આપણા શરીરમાંના એસિડને કંટ્રોલ કરે છે. સ્ટ્રોબેરી જેવા ફળમાં તો ભરપૂર વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચન શક્તિ સુધારે છે.’

બ્લડપ્રેશર
સ્ટ્રૉબેરીમાં રહેલું પોટૅશિયમ બ્લડપ્રેશરને રોકવાની ક્ષમતા ધરાવે છે. બ્લડપ્રેશર હોય તેવા લોકો તે ખાઈને તેને કાબૂમાં રાખી શકે છે. જેમને થવાની શક્યતા છે તે લોકો એનાથી બચવા માટે સ્ટ્રૉબેરી ખાઈ શકે છે, કારણ કે શરીરમાંનું પૂરતું પોટૅશિયમ સોડિયમની અસરને ઓછી કરે છે. વ્યક્તિના શરીરમાં વધુ માત્રામાં સોડિયમ હોય ત્યારે તે બ્લડપ્રેશરનો શિકાર બને છે જે વ્યક્તિના શરીરમાં પોટૅશિયમની કમી હોય છે તેને પણ બ્લડપ્રેશરનો ખતરો વધુ રહે છે. આપણા શરીરને દરરોજ ૪,૭૦૦ મિલીગ્રામ પોટૅશિયમની જરૂર રહે છે.

હાર્ટડિસીઝ
એક રિસર્ચ મુજબ અઠવાડિયામાં ત્રણ વાર એક કપ સ્ટ્રૉબેરી ખાનારી સ્ત્રીઓ પર હાર્ટને લગતી સમસ્યાઓનું રિસ્ક ૩૨ ટકા જેટલું ઘટી જાય છે. હાર્ટની નળીઓ કૉલેસ્ટરોલને કારણે બંધ થઈ જાય ત્યારે એ અમુક રીતે ફૂલે છે એ અસરથી સ્ટ્રૉબેરીનાં તત્ત્વો એને બચાવે છે.

કૅન્સર
આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એમાંથી પોષક તત્ત્વો શરીરમાં ભળી જાય છે અને બાકીનો બચેલો પદાર્થ વેસ્ટ હોય છે જે શરીરના અલગ-અલગ માધ્યમથી બહાર નીકળી જવો જરૂરી છે, જ્યારે એ બહાર નીકળતો નથી ત્યારે એને ફ્રી રૅડિકલ્સ કહે છે જે શરીરમાં ફરતા રહે છે અને કૅન્સર જેવા રોગોને નિમંત્રણ આપે છે. સ્ટ્રૉબેરીમાં રહેલાં તત્ત્વો આ ફ્રી રેડિકલ્સને બાંધી દે છે, જેને કારણે એ વેસ્ટ તરીકે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

કબજિયાત
સ્ટ્રૉબેરીમાં રહેલું પાણી અને ફાઈબર પાચનપ્રક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે. વળી, શિયાળામાં જ્યારે પાણી ઓછું પીવાય છે ત્યારે શિયાળામાં મળતું આ ફળ શરીરને પાણી પૂરું પાડે છે. કબજિયાત, ગૅસ, અપચો જેવી તમામ પ્રકારની પાચન સંબંધિત ક્રિયાઓ માટે પાણી જરૂરી છે. જે વ્યક્તિનું પાચન સારું હોય તે વ્યક્તિ ઘણા બધા રોગોમાંથી મુક્ત રહી શકે છે. તો આ લાભ મેળવવા માટે પણ સ્ટ્રોબેરી ખાવી જોઈએ.

ડાયાબિટીસ
સ્ટ્રૉબેરીને કારણે શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દરદીઓ પણ વગર વિચાર્યે સ્ટ્રૉબેરી ખાઈ શકે છે. બસ, ધ્યાન એ રાખવંુ જોઈએ કે, સ્ટ્રૉબેરી ક્યારેય જમવાની સાથે ન ખાવી.

શરદી-કફ-અસ્થમા
સ્ટ્રૉબેરીમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. વિટામિન સી શરીરની ઈમ્યુનિટી વધારે છે. શરીરને શરદી, કફ જેવા સામાન્ય ઇન્ફેક્શન્સથી બચાવવામાં મદદરૂપ થાય છે. રિસર્ચ કહે છે કે, જો અસ્થમાના દરદીઓ વિટામિન સી ભરપૂર માત્રામાં લેતાં હોય તેમને અસ્થમાના એટૅક ઓછા આવે છે.

ભૂમિકા ત્રિવેદી

You might also like