દાહોદ જિ. પં.ના કોંગ્રેસના સભ્યોને પોલીસ રક્ષણ આપવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ : દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યો ભય વિના મતદાન કરી શકે તે માટે તેમજ સમગ્ર ચૂંટણી ન્યાયિક અને પારદર્શક રીતે થાય તે અંગે કોંગ્રેસ પક્ષ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભે આજે હાઈકોર્ટ દ્વારા ગાંધીનગર પોલીસના ડીવાયએસપીને કોંગ્રેસના રપ સભ્યોને રક્ષણ પૂરું પાડીને દાહોદ જિ.પં.ના સભાખંડ સુધી પહોંચાડવા તેમજ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક થાય તે માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

દાહોદ જિ.પં.માં કોંગ્રેસને ભાજપ કરતાં પાતળી બહુમતી મળી છે. જેના કારણે હોર્સ ટ્રેડિંગ કરવાના ભાગરૃપે ભાજપના સભ્યો દ્વારા ગત તા. રર અને ર૩ ડિસેમ્બરના રોજ ચૂંટણી માટેની બેઠકમાં હંગામો કરાયો હતો. એટલું જ નહીં ભાજપના કાર્યકરો દ્વારા તા. રરમીના રોજ કોંગ્રેસના સભ્યોની બસ સળગાવી દેવાઈ હતી. જેના કારણે કોંગ્રેસના સભ્યોએ દોઢ દિવસ દહેશત વચ્ચે જિલ્લા પંચાયતમાં વિતાવ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના દસ જેટલા ધારાસભ્યો અને આગેવાનો આવી પહોચ્યા હતા.

તેઓ તેમને પોલીસ સુરક્ષા સાથે અમદાવાદ લઈ આવ્યા હતા. દરમિયાનમાં રાજ્યના વિકાસ કમિશનર દ્વારા તા. ર૬ ડિસેમ્બરના રોજ સવારે ૯-૩૦ કલાકે દાહોદ જિ. પં.ના પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની ચૂંટણીની બેઠક બોલાવી છે. આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા પોતાની સલામતી માટે આજે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા અરજન્ટ મેટર ગણીને સુનાવણી હાથ ધરી હતી.

જેમાં હાઈકોર્ટના જસ્ટિસ એ. જી. ગુરેઈજીએ ગાંધીનગરના ડીવાયએસપી જી. જી. જસાણીને દાહોદ જિલ્લા પંચાયતના ગાંધીનગરમાં રહેલા રપ સભ્યોને પૂરતું રક્ષણ પૂરું પાડીને તેમને દાહોદ જિ. પં.ના સભાખંડ સુધી પહોંચાડવા જેથી આ સભ્યો કોઈ પણ ડર વિના ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે.

તેમજ એક સભ્ય રમેશભાઈ બીમારી સબબ હાલ દાહોદ હોસ્પિટલમાં છે તેમને પણ પોલીસ રક્ષણ પૂરું પાડીને સભાખંડ સુધી પહોંચાડવાની જવાબદારી નિયત કરાઈ છે. આ ઉપરાંત હાઈકોર્ટે કલેકટર અને ડીડીઓને પણ ઉપસ્થિત રહીને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય તેની જવાબદારી નિયત કરી હતી.

You might also like