મારી સામેના દેખાવો પૂર્વ આયોજિતઃડૉ. તેજશ્રી પટેલ

અમદાવાદ : મારી સામે કરાયેલા દેખાવો અમુક લોકોનું પૂર્વ આયોજિત કાવતરું હોવાનો ખુલાસો કોંગ્રેસના વિરમગામના ધારાસભ્ય ડૉ. તેજશ્રીબહેન પટેલે કર્યો હતો. આવા તત્વો ફરી વાર આવું કૃત્ય ના કરે તે માટે ના છૂટકે માનહાનિ અને ફોજદારી દાવો કરવા માટે મને મજબૂર કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું, અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે અમુક ચોક્કસ લોકોના ઈશારે વિરમગામના ધારાસભ્ય વિરુદ્ધ બેનરો સાથે નારા લગાવીને વરવું પ્રદર્શન કરાયું હતું.

આ અંગે ડૉ. તેજશ્રીબહેને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મારી કામગીરીની ઈર્ષ્યા કરી, અમુક ચોક્કસ લોકો દ્વારા પૂર્વ આયોજિત કાવતરું ઘડીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. એટલું જ નહીં મને બદનામ કરીને વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં મને ટિકિટ ના મળે અથવા જીતી ના શકાય તેવા રાજકીય પ્રયાસના ભાગરૃપે આ દેખાવો કરાયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી સામે મારા માટે મામુલી રકમ લેવાનો આક્ષેપ કરાયો છે તે બેબુનિયાદ છે. કારણ કે આધુનિક જમાના ડૉક્ટર બન્યા પછી મોટાભાગના ગામડાંમાં કે તાલુકા કક્ષાએ પ્રેક્ટિસ કરવા માંગતાં નથી. ત્યારે હું ૩૦ વર્ષથી ગામડાંના લોકોની સેવા કરી રહી છું.

મારે પૈસા કમાવા હોત તો હું અમદાવાદ જેવું શહેર છોડીને વિરમગામ તાલુકામાં ન આવત. એટલું જ નહી મારા સહિત પરિવારના તમામ સભ્યો પાસે ગ્રીન કાર્ડ અમેરિકા દ્વારા અપાયા હતા પરંતુ તે અમે પરત કરી દીધા છે.

You might also like