સુરત સિવિલ હોસ્પિટલમાં જેનેરિક દવાઓ જ લખાય છે

સરકારી હોસ્પિટલોમાં જેનેરિક દવાઓ જ આપવાના ૨૦૧૩ના પરિપત્રનો અમલ સુરત સિવિલ હોસ્પિટલ શરૂઆતથી જ કરી રહી છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં મોટાભાગની દવાઓ અંદરથી જ મળી જાય છે. જો કોઈ દવા બહારથી લેવાની થાય તો તે માટે જેનેરિક દવાઓ જ લખી આપવામાં આવે છે.

દર્દીઓથી ઉભરાતી સુરત સિવિલ હોસ્પિટલ કદાચ ગુજરાતની એવી મોટી હોસ્પિટલ છે જેની આસપાસ કોઈ ખાનગી મેડિકલ સ્ટોર નથી. હોસ્પિટલ કેમ્પસમાં જ એનજીઓ દ્વારા રાહતદરે મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે. જો કોઈ તબીબ દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં બહારની દવા લખવામાં આવે તો દર્દી તે દવા રાહતદરના મેડિકલ સ્ટોર પરથી મેળવી શકે છે.

સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એમ.કે.વાઢેલ કહે છે, “૨૦૧૩માં સરકારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે જ અમે મિટિંગ બોલાવીને તમામ ડોક્ટર્સને સૂચના આપી દીધી હતી અને એક સરક્યુલર પણ બહાર પડાયો હતો કે જો દર્દીઓને બહારથી દવા લેવાની જરૂર પડે તો પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવાઓ જ લખવી. મોટાભાગની દવાઓ હોસ્પિટલમાંથી જ મળી જાય છે, માત્ર સ્પેશિયલ દવાઓ જ બહારથી ખરીદવી પડે છે. જોકે જેનેરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં ખતરો એ પણ છે કે કેમિસ્ટ પોતાની મરજી મુજબ ગમે તે કંપનીની દવા આપે છે, જે ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે.”

જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓના ભાવમાં ફરક અંગે સુરત સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક કહે છે કે, “કેટલીક કંપનીઓ પોતે પ્રોડક્ટ નથી બનાવતી, બીજી કંપની પાસે પ્રોડક્ટ બનાવીને માત્ર પોતાના નામનું લેબલિંગ કરે છે. એક જ કંપનીની એક દવા બ્રાન્ડેડ હોય અને બીજી જેનેરિક હોવા છતાં ભાવમાં મોટો ફરક હોય છે.

પેરાસિટામોલની જ વાત કરીએ તો ૮૦થી ૧૦૦ રૂપિયામાં ૧૦૦૦ નંગ જેનેરિક પેરાસિટામોલ મળે છે, જ્યારે એ જ દવા બ્રાન્ડેડ તરીકે મેડિકલ સ્ટોરમાંથી ૧૦ રૂપિયાની ૧૦ નંગની એક સ્ટ્રીપ મળે છે. ડૉક્ટરોએ જેનેરિક દવા જ લખવાની હોય છે. દર્દીને કઈ કંપનીની દવા આપવી એ કેમિસ્ટની પસંદગી પર નિર્ભર કરે છે. જેથી દર્દીઓને ફાયદો થતો નથી. સરકાર હવે હોસ્પિટલોને જ દવાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે એટલે બહારની દવા પ્રિસ્ક્રાઈબ કરવાની જરૂર પડતી નથી.”

સુરતમાં દર્દીઓને રાહતદરે દવાઓ આપતી સંસ્થા ‘છાંયડો’ એ હવે સિવિલ કેમ્પસમાં જ જેનેરિક દવાઓનો સ્ટોર શરૂ કરવા માટે મંજૂરી માગી છે. જો આ સ્ટોર શરૂ થશે તો દર્દીઓને બહારથી લેવાની થતી દવાઓ પણ અહીંથી જ મળશે.
પ્રતીક કાશીકર

You might also like