દાઉદ ૬૦મા જન્મદિવસે અનિસને ઉતરાધિકારી નિમશે?

મુંબઇ : મુંબઇની અંધારી આલમ પર એક વખત શાસન કરનાર અને અત્યારે વૈશ્વિક અપરાધિઓમાં સ્થાન ધરાવતા ભારતના ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગાર એવો દાઉદ ઇબ્રાહીમ પોતાના ભાઇને ઉત્તરાધિકારી બનાવવાની તૈયારીમાં છે. પાકિસ્તાનના કરાચીમાં સતત સરકારી સુરક્ષા હેઠળ રહેતો દાઉદ શનિવારે પોતાના જન્મદિવસે ભાઇ અનિસને કાળાં કારોબારનો સમગ્ર હવાલો સોંપી દે તેવી શક્યતા છે. જ્યારે તેનો સૌથી વિશ્વાસુ ગણાતો છોટા શકીલ ગેંગના ‘સીઇઓ’ જેવું જ પદ જાળવી રાખે તેમ છે.

દાઉદ ગેંગ સંબંધી સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર રહેતા મુંબઇના અનેક માણસો એવો નિર્દેશ આપી રહ્યા છે કે જન્મ દિવસે દાઉદ નિવૃત્તિ લઇ રહ્યાની વાત હજુ જાણમાં આવી નથી. ગેંગમાં હજુ સત્તાવાર રીતે કોઇ સૂચના કે સંદેશો પહોંચાડવામાં આવ્યો નથી.અંધારીઆલમમાં એવી ચર્ચા છે કે દાઉદના જન્મદિવસે-શનિવારે- તેની નિવૃત્તિની જાહેરાત કરાશે. ૬૦ વર્ષની વયે તે પોતાનો ઉતરાધિકારી જાહેર કરશે. જન્મદિવસે મોટો જલસો નક્કી થયો છે. પરંતુ તેનું સ્થળ ખાનગી રાખવામાં આવ્યું હતું.

જેઓને આમંત્રણ અપાયા છે. તેઓને પણ સ્થળ છેલ્લી ઘડીએ કહેવામાં આવશે. તેઓને માત્ર હોટલમાં રહેઠાણ વ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે. બર્થ ડે પાર્ટી માટે તેમને હોટલ પરથી જ સીધા લઇ જવાશે.

ડ્રગ્ઝ, સટ્ટાખોરી, હવાલા તથા શસ્ત્રોની દાણચોરી જેવા ૧૦ અબજ ડોલરના કાળાં કારોબારને સંભાળવાનું નાદુરસ્ત થયેલા દાઉદ માટે હવે મુશ્કેલ બન્યું છે. અલબત્ત તે સક્રિય રહેશે છતાં માર્ગદર્શક બની રહેશે.

You might also like