‘આધાર’ની માહિતી લીક કરનારને ૧૦ વર્ષની જેલની સજા

નવી દિલ્હી : દેશમાં નાગરિકો માટે આવશ્યક બની રહેલો ‘આધાર’ કાર્ડ યોજનામાં નાગરિકો જે ડેટા આપે છે તે લીકેજ થવાના અને નાગરિકની ગુપ્તતાનો ભંગ થવાનો પ્રશ્ન છે અને આ મુદ્દે જ સુપ્રીમ કોર્ટે તમામ સરકારી સેવા માટે આધારકાર્ડ જરૂરી બનાવવાના સરકારના પ્રયાસોને બ્રેક મારી છે પણ હવે સરકારે તે વિઘ્ન દૂર કરવા આધારકાર્ડના ડેટા લીક કરવા બદલ ૧૦ વર્ષ સુધીની જેલ સજાનો કાનૂન બનાવ્યો છે. આ ઉપરાંત સરકાર વધુને વધુ સેવાઓનો ‘આધાર’ કઇ વ્યવસ્થા હેઠળ રાખવા માંગે છે.

જેથી આ અંગેની એક નીતિ ઘડવા કેબિનેટ સેક્રેટરીને સૂચના આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં વ્યક્ત થયેલી ચિંતાને દૂર કરવા તા. ૨૧ ડિસેમ્બરના રોજ આધાર કાર્ડ માટે સેન્ટ્રલ આઇન્ડેન્ટી ડેટા રિસ્પોન્સિબિલિટી આદેશ બહાર પાડ્યા હતા. અને આધાર યોજના માટે જે માહિતી-ડેટા-સંગ્રહ-આધાર યોજના માટેના કેન્દ્રો અને તેમાં વચ્ચેના નેટવર્ક-જેમાં લોજિસ્ટિક સિસ્ટમ પણ આવી જાય છે.

તેનું જે માળખું છે તથા આધારકાર્ડના જ્યાં ઉપયોગ થાય છે તે તમામ સુવિધાને ‘પ્રોટેક્ટેડ સિસ્ટમ’- સુરક્ષિત વ્યવસ્થા જાહેર કરી છે અને તેમાં ભંગને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ આવરી લીધી છે જેના કારણે હવે આધારની માહિતી કોઇ અધિકૃત સિવાયની વ્યક્તિ મેળવશે તો તે સજાપાત્ર ગુનો બનશે.

સરકારે આ માટે અધિકૃત કોણ તેની પણ વ્યાખ્યા નિશ્ચિત કરી છે અને તેનો ભંગ કરનાર કે કોઇ અધિકૃત વ્યક્તિ આધાર ડેટા જો બિનઅધિકૃતને આપે તો તે બંને સામે આઇટી એક્ટ હેઠળ કામ ચલાવી શકશે. જેમાં ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. સરકારે આધાર કાર્ડને વધુ યોજનામાં લાગુ કરવા ‘પ્રગતિ’ હેઠળની બેઠકમાં સમીક્ષા કરી હતી. અને કેબિનેટ સચિવને તેની નવી યાદી બનાવવા આદેશ આપ્યો હતો.

You might also like