કોલેજિયન યુવતીને મોટી અમરોલના યુવાને રસ્તામાં રોકી મોઢામાં પ્રવાહી રેડયું

પાવી જેતપુર : પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામની કોલેજીયન યુવતી બોડેલી કોલેજના પરીક્ષા આપી પોતાના ઘરે જતી રહી હતી ત્યારે રસ્તામાં મોટી અમરોલ યુવાને રસ્તો રોકી મારી સાથે લગ્નની કેમ ના પાડે છે ? તેમ કહી પાડી દઇ મોઢામાં પ્રવાહી રેડી બેહોશ કરી દેતા ફરિયાદ થવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામની છોકરી બોડેલી કોલેજમાં પરીક્ષા આપી બપોરના ૨.૩૦ વાગ્યાના અરસામાં જેતપુર આવી ત્યાંથી તળાવ ફળિયામાં થઇ ઓરસંગ નદીના પટમાંથી પગદંડી રસ્તા ઉપર થઇ હીરપરી પોતાના ઘરે જતી હતી.

ત્યારે રસ્તામાં મોટી અમરોલના યુવાન સંજયભાઇ જગાભાઇ રાઠવા ઝાડીમાંથી નીકળી કોલેજીયન યુવતીનો રસ્તો રોકી કહેલ કે તું મારી સાથે લગ્નની કેમ ના પાડે છે ? બીજી જગ્યાએ કેમ લગ્ન નક્કી કર્યું તેમ કહી હાથ પકડીને નીચે પાડી દઇ પોતાના હાથમાંની શીશીમાંથી કશુંક પ્રવાહી યુવતીના મોઢામાં રેડી દીધી હતી.

ત્યાર બાદ સંજય રાઠવાએ યુવતીના પિતાને ફોન કરી જણાવેલ કે તારી છોકરી ઝેરી દવા પી લીધી છે અને તેણીની પગદંડી ઉપર પડી છે. હીરપરીની કોલેજીયન યુવતીને થોડીવાર પછી ભાન આવતા તેણીની ધીમે ધીમે ઘર તરફ જતી હતી ત્યારે પિતા પણ તેણીની શોધવા આવેલ પિતા પુત્રીની મુલાકાત થતાં તાત્કાલિક ૧૦૮ બોલાવી વધુ સારવાર માટે પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં.

જયાં તબિયત સુધારા ઉપર છે, જે અંગે યુવતીએ ફરિયાદ કરતાં આરોપી સંજય રાઠવા વિરૃધ્ધ ગુનો નોંધી પાવી જેતપુર પી.એસ.આઇ. ભાટી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

You might also like