મોદીજીએ કહ્યું હતું, ‘ન ખાઉંગા, ન ખાને દૂંગા’, હવે જવાબ આપેઃ રાહુલ

અમેઠી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ડીડીસીએ મામલામાં અરુણ જેટલી વિરુદ્ધ મોરચો ખોલનાર કીર્તિ આઝાદના ભાજપમાંથી સસ્પેન્શન મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે, “હવે પીએમ જવાબ આપે.” મોદીજીએ કહ્યું હતું કે, “હું ખાઈશ નહીં અને કોઈને ખાવા દઈશ નહીં.” હવે જ્યારે તેમના જ સાંસદ કીર્તિ આઝાદે જણાવ્યું કે કોઈકે ખાધું છે તો મોદીજીએ તેમને જ સસ્પેન્ડ કરી દીધા. મોદીજીએ આ બાબતે જવાબ આપવો જોઈએ.

ડીડીસીએ મામલામાં નાણાપ્રધાન અરુણ જેટલીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર ભાજપના સાંસદ કીર્તિ આઝાદને તત્કાળ અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આઝાદે આ અંગે જણાવ્યું છે કે હવે તેમને અદાલત જવું પડશે અને પીઆઈએલ દાખલ કરવી પડશે.

તેમણે જણાવ્યું હતું કે વાત એટલે સુધી પહોંચી ગઈ છે કે તેઓ કાયદાનો રસ્તો અપનાવશે. સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલામાં હસ્તક્ષેપ કરવા અને નિર્ણય લેવા આવેદનપત્ર આપ્યું હતું.

શું હવે શત્રુઘ્ન સિંહાનો વારો છે?: દિગ્વિજયસિંહ
ભાજપમાંથી કીર્તિ આઝાદને સસ્પેન્ડ કરવાના મામલે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે આ મામલે વ્યંગ કરતાં ઉપરાછાપરી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપે કીર્તિ આઝાદને તો સસ્પેન્ડ કરી દીધા. તેમનો ગુનો શું હતો? તેમણે આગળ જણાવ્યું હતું કે શું ભાજપમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉઠાવનારના આવા જ હાલ થવાના છે? પહેલાં રામ જેઠમલાણી અને હવે કીર્તિ આઝાદ, શું હવે પછી નંબર શત્રુઘ્ન સિંહાનો છે? દિગ્વિજયે વધુમાં જણાવ્યું હતું કે ઊલટો ચોર કોટવાલને દંડે એ કહેવત આજે સાચી પડી ગઈ. રાજીનામું જેટલીનું લેવું જોઈતું હતું તેના બદલે કીર્તિ આઝાદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

You might also like