ચોમાસું હજુ જામ્યું નથી ત્યાં તો શહેરમાં 21 વૃક્ષ ધરાશાયી થયાં

અમદાવાદ: આજે સવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતાં લોકોએ ઠંડક અનુભવી હતી. વેજલપુર, બોડકદેવ, બોપલ, એસજી હાઇવે જેવા વિસ્તારમાં પડેલા ઝરમરિયા વરસાદની વચ્ચે જૂના વાડજના અખબારનગર પાસે એક વૃક્ષ જમીનદોસ્ત થયું હતું. હજુ શહેરમાં ચોમાસું બરાબર જામ્યું નથી તેમ છતાં ૨૧ વૃક્ષ ધરાશાયી થઇ ગયાં છે. સદ્નસીબે આમાં કોઇ જાનમાલને નુકસાન થયું નથી.

મ્યુનિસિપલ બાગબગીચા વિભાગ સમક્ષ ભાજપના કોર્પોરેટર તેમજ ટોચના હોદ્દેદારો દ્વારા ચોમાસા અગાઉ નાગરિકો માટે ભયજનક ઝાડનું ટ્રી‌િમંગ કરવા સહિતની રજૂઆત કરાઇ હતી, પરંતુ તંત્રની ઉપેક્ષાના કારણે ચોમાસાના પ્રારંભના દિવસોમાં જ શહેરભરમાં ટપોટપ ઝાડ ધરાશાયી થઇ રહ્યાં હોઇ પર્યાવરણને પણ ખાસ્સું નુકસાન પહોંચે છે.

આ ઉપરાંત મ્યુનિસિપલતંત્ર સમક્ષ ર૧ ઝાડ પડી જવા સાથે ભૂવાની કુલ ૧૦ ફરિયાદ આવી છે. અમુક જગ્યાએ રોડ અચાનક બેસી જઇ મોટા ભૂવા પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો તેમજ ભયજનક મકાનની ત્રણ ફરિયાદ તંત્રના ચોપડે ચઢી છે.

દરમિયાન મ્યુનિસિપલના ટાગોર હોલ સ્થિત મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રો જણાવે છે કે ચાલુ સિઝનમાં શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો છે. ઝોનવાઇઝ વરસાદની વિગત જોતાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ અને ઉત્તર ઝોનમાં માત્ર ત્રણ એમએમ વરસાદ નોંધાયો છે.

શહેરમાં સમગ્ર ચોમાસા દરમિયાન ૩૦થી ૩૨ ઇંચ વરસાદ પડે છે અને તાજેતરનાં વર્ષોમાં શહેરમાં સરેરાશ વરસાદ કરતાં પણ વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં શહેરમાં અંદાજિત વરસાદ કરતાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.

દરમિયાન મ્યુનિસિપલ સૂત્રો વધુમાં જણાવે છે કે તંત્રના ચોપડે વરસાદી પાણી ભરાવાની કુલ ૩૫ ફરિયાદ નોંધાઇ છે, જોકે રવિવારની વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં અને કલાકો સુધી આ પાણીનો નિકાલ થયો ન હતો. તે જોતાં હજુ સુધી વરસાદી પાણી ભરાવાની ફરિયાદ તંત્ર સમક્ષ ઝડપભેર નોંધાતી નથી તેવું લાગી રહ્યું છે.

You might also like