અમદાવાદ: રાજ્યના મોટા ભાગના હાઇવે અસલામત બની રહ્યા છે. રોજેરોજ જુદા જુદા હાઇવે પર અકસ્માતોની વણથંભી વણજાર ચાલુ રહેતાં અનેક લોકો જીવ ગુમાવે છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુુદા હાઇવે પર બનેલી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ર૧ લોકોનાં મોત થયા હતા. જ્યારે ૧૮ને ગંભીર ઇજાઓ થઇ હતી.
ભાવનગરના ધોળા-પરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં મહેશ રૂડાભાઇ સોજિત્રા અને ગિરીશ માવજીભાઇ સોજિત્રા નામના બે યુવાનનાં મોત થયા હતા.
ખેેડબ્રહ્મા નજીક થયેલ માર્ગ અકસ્માતમાં એક પટેલ યુવતીનું મોત થયું હોવાનું જાણવા મળે છે. ઠાસરા-નડીઆદ રોડ પર ધારેટા ગામ નજીક રિક્ષા પલટી ખાઇ જતાં ચાલક રામનાથ શુકલાનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. મોડાસા હાઇવે પર રાજેન્દ્રનગર ચોકડી પાસે કારચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકચાલક લાલસિંહ ચૌહાણનું મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થઇ હતી. કચ્છના માંડવી નજીક બે બાઇક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં હરેશ સુમાર કોલી અને જીકીન મમુ કોલી નામના બે યુવાનનાં મોત થયા હતા. જ્યારે બેને ગંભીર ઇજા થઇ હતી.
કલ્યાણપુર-ભાટિયા રોડ પર એક કાર પલટી ખાઇ જતાં જામનગરના જાણીતા લખુભાઇ રગડાવાળાના પુત્રનું મોત થયું હતું. જ્યારે ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. મંુદ્રા-ભૂજ રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આમદ નૂરમામદ માંજલિયા સહિત બેનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. જામનગર-કાલાવડ રોડ પર મતવા ગામના પાટીયા પાસે સ્વીફટ કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં પ્રેમલ તથા વિપુલ નામના બે યુવાનનાં મોત થયા હતા.
માળિયા રોડ પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રકના કલીનરનું દબાઇ જવાથી મોત થયું હતું.અમદાવાદ-અમરેલી હાઇવે પર પણ આઇશર અને કાર વચ્ચે સર્જાયેેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યકિતનાં મોત તથા છ વ્યકિતને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. રાજકોટના આજી ડેમ પાસે ટેન્કરની ટક્કર વાગતાં અરવિંદભાઇ ઠાકુરનું મોત થયું હતું. જૂનાગઢ-તલાલા રોડ પર ટ્રકની અડફેટે આવી જતાં બાઇકચાલક સાદીક ભાઇનું મોત થયું હતું. જ્યારે મોરબી ફાટક પાસે તેમજ બંધુનગર નજીક સર્જાયેલા બે અકસ્માતમાંં એક બાળક સહિત બેનાં મોત થયા હતા.