કાશ્મીરમાં ત્રીજા દિવસે સ્થિતિ બેકાબૂઃ એરફોર્સ બેઝ પર ૫૦૦ લોકોનો હુમલો

નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં મોત થયા બાદ ભડકી ઊઠેલી હિંસાનો દોર આજે ત્રીજા િદવસે પણ ચાલુ રહ્યો હતો. કાશ્મીર ખીણની સ્થિતિ હજુ પણ સ્ફોટક અને બેકાબૂ છે. આજે ૫૦૦ જેટલાં તોફાનીઓનાં ટોળાંએ હુમલો કરીને ઈન્ડિયન એરફોર્સના એરબેઝ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ પુલવામામાં સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા.

જેમાં બે જવાન ઘાયલ થયા હતા. દરમિયાન કાશ્મીરમાં અનંતનાગ અને શ્રીનગર સહિત ૧૧ જિલ્લાઓમાં હજુ કરફ્યુ જારી છે. અમરનાથ યાત્રા આજે ત્રીજા દિવસે પણ સ્થગિત રહી છે અને ૫,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. ત્રીજા દિવસે પણ અમરનાથ યાત્રા શરૂ નહીં થતાં કેટલાક યાત્રાળુઓ તેમના ઘરે પરત જઈ રહ્યા છે. કાશ્મીર હિંસાનો મૃત્યુઆંક વધીને ૨૫ પર પહોંચ્યો છે.
પુલવામામાં નેવા વિસ્તારને દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં ઈરફાન અહેમદ મલિકનું મોત થયું હતું. જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. એ જ રીતે અનંતનાગના અચ્છા બલ વિસ્તારમાં દેખાવકારોએ સુરક્ષાદળો પર ભારે પથ્થરમારો કર્યો હતો. સુરક્ષા દળોના ગોળીબારમાં ત્રણ યુવાન ઘાયલ થયા હતા. પંપોરમાં એક યુવાન ઘાયલ થયો હતો. કાશ્મીરમાં અલગ અલગ સ્થળોએ અમરનાથયાત્રીઓ સાથે મારપીટ અને મહિલાઓ સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ મળી છે.

અનંતનાગ પાસે પથ્થરમારામાં કેટલાક યાત્રાળુઓ ઘાયલ થયા હતા. ૨૦૦૦ યાત્રાળુઓ કેલામોડ રામબન પાસે સડકો પાસે ફસાયા છે. કાશ્મીર ખીણમાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનાં મોત બાદ જમ્મુ અને કાશ્મીરમાં ભડકી ઊઠેલી હિંસાના પગલે ઊભી થયેલી તંગદિલી અને વિસ્ફોટક સ્થિતિ વચ્ચે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આજે એક ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા સ્થિતિ પર ચર્ચા થશે. દરમિયાન કાશ્મીરમાં હિંસક અથડામણો અને દેખાવોમાં મૃતકોની સંખ્યા વધીને ૨૫ થઈ છે.

કાશ્મીર ખીણમાં હજુ કરફ્યુનો અમલ ચાલુ છે. તેમજ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર સસ્પેન્ડ કરવામાં આવી છે. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીનાં મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને આજે ત્રીજા િદવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત રહી હતી. કેટલાક ફસાયેલા અમરનાથ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કાશ્મીરમાં બેઝ કેમ્પથી યાત્રા જારી છે.

પહેલગાંવ અને બાલતાલ બેઝ કેમ્પથી યાત્રા જારી રહેશે. જ્યારે જમ્મુ કેમ્પથી અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આજે કોઈ પણ અમરનાથ યાત્રીને કાશ્મીર ખીણ તરફ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રાને ફરીથી શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

બુરહાનનો ખાતમો ઈન્ટેલિજન્સ એજન્સીઓ માટે બોનસ સમાન
હિઝબુલ મુજાહીદ્દીનના આતંકી બુરહાન વાનીનો ખાતમો ઈન્ટેલિજન્સ એજન્સીઓ માટે એક બોનસ સમાન છે. એજન્સીઓને શુક્રવારે થયેલા એન્કાઉન્ટર દરમિયાન એ ખબર નહતી કે તેમાં બુરહાન પણ સામેલ છે. જમ્મુ કાશ્મીરના એક ટોચના એક ઈન્ટેલિજન્સ અધિકારીએ જણાવ્યું હતું કે અમને કોકરનાગમાં હિઝબુલના કેટલાક આતંકીઓ છુપાયા છે તેની બાતમી મળી હતી, પરંતુ અમને એ વાતની ખબર ન હતી કે વાની પણ તેમની સાથે છે. વાનીને મારવો એ અમારા માટે એક પ્રકારનું બોનસ છે.

You might also like