ચીને ૩૦ દિવસમાં ૩૫ વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરીઃ ITBP

નવી દિલ્હી: ભારત તરફથી અનેક વખત દબાણ કરવા છતાં ચીન પોતાની હરકતો બંધ કરતું નથી. લદાખ અને અરુણાચલ પ્રદેશમાં સરહદની સુરક્ષામાં તહેનાત આઈટીબીપીના એક રિપોર્ટ અનુસાર ચીને છેલ્લા એક મહિનામાં સૌથી વધુ ઘૂસણખોરી કરી છે. અહેવાલ અનુસાર છેલ્લા ૩૦ દિવસમાં ચીનની સેનાએ ૩૫ વખત અંકુશરેખા ઓળંગીને ઘૂસણખોરી કરી છે. આઈટીબીપીના વિરોધ બાદ ચીની સૈનિકો પરત ફર્યા હતા.

આઈટીબીપીના અહેવાલ અનુસાર આ મહિને ઉત્તરીય લદ્દાખ વિસ્તારમાં સવારે ૭.૦૦ વાગ્યે ગાડી લઈને લગભગ ચીની સેનાઓ ૧૪ કિ.મી. ભારતીય સરહદમાં ઘૂસી આવી હતી. આઈટીબીપીના જવાનોએ તેમનો સામનો કરીને તેમને ખદેડી મૂક્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનના સૈનિકો ૧૮ માર્ચ, ૨૧ માર્ચ, ૨૪ માર્ચ અને ૩૦ માર્ચના રોજ બે વખત ૮ કિ.મી. અંદર ભારતીય વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા.

આ ઉપરાંત એક દિવસ સવારે ૮.૩૦ કલાકે લદ્દાખના ટ્રેક જંકશનમાં ચીની સૈનિકો બે હેલિકોપ્ટર લઈને ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. આ હેલિકોપ્ટર લદાખથી બર્તસે સુધી ગયાં હતાં અને ૧૮ કિ.મી. ભારતના એર સ્પેસમાં રહ્યાં હતાં. આઈટીબીપીના વિરોધમાં ચીની હેલિકોપ્ટરોએ પરત જવું પડ્યું હતું.

ગૃહ મંત્રાલયને સુપરત કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે ચીની સેનાએ ૨૯ અને ૩૦ માર્ચના રોજ અરુણાચલ પ્રદેશના અસફીલા વિસ્તારમાં ચાર કિ.મી. અંદર સુધી ઘૂસણખોરી કરી હતી. ૨૨ માર્ચે અરુણાચલના ડિચુમા પાસે ૬.૧૦ કલાકે ચીની સૈનિકો ૨૫૦ મીટર ભારતીય સીમામાં અંકુશરેખા ઓળંગીને દાખલ થયા હતા.

એ જ રીતે ૨૮ માર્ચના રોજ લદ્દાખના ડેસપાંગ વિસ્તારમાં ૧૯ કિ.મી. સુધી ભારતીય સરહદમાં ઘૂસીને પરત ચાલ્યા ગયા હતા એટલું જ નહીં, છેલ્લા ૧૭ િદવસમાં ચીની સેનાનાં હેલિકોપ્ટર ભારતીય હવાઈ સીમામાં ઘૂસી ગયાં હતાં.

You might also like