વિવિધ દાળના ભાવ નવા વર્ષે પણ ઘટે તેવી શક્યતા ઓછી છે

અમદાવાદ: ચાલુ વર્ષે અનિયમિત વરસાદ તથા પાકમાં ઓછા ઉતારના પગલે વિવિધ દાળના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. એક તબક્કે દિવાળી પહેલાં તુવેરની દાળનો ભાવ રૂ. ૨૦૦ની સપાટી પાર કરી ગયો હતો, પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૧૫ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે આગામી વર્ષે પણ તુવેરની દાળના ભાવ ઘટે તેવી ઓછી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એ જ પ્રમાણે ચણાના પાકને પણ મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં ઓછા વાવેતરના પગલે ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા ઓછી જણાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ ચણાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે, ત્યાં પણ ઉત્પાદનમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.

સ્થાનિક બજારમાં ૭૦થી ૮૦ રૂપિયે ચણાનો ભાવ જોવા મળે છે. સ્થાનિક માધુપુરાના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે મોટા સ્ટોકિસ્ટો વિવિધ કઠોળના ભાવ ન્યૂનતમ સમર્થન મૂલ્ય કરતાં પણ વધુ આપીને સ્ટોક કરી રહ્યા છે અને તેને કારણે તુવેર, અડદ, ચણા, મસુર, મગની દાળના ભાવમાં કોઇ ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

લીલી તુવેર કિલોના ૨૫થી ૩૦ રૂપિયા, જ્યારે તુવેર દાળના રૂ. ૧૮૦
બજારમાં હાલ લીલી તુવેરની મોટા પ્રમાણમાં આવક છે ત્યારે લોકોના મનમાં આગામી દિવસોમાં તુવેરની દાળના ભાવ ઘટે તેવી આશા છે. લીલી તુવેરનો ભાવ કિલોએ ૨૫થી ૩૦ રૂપિયા જોવા મળી રહ્યો છે, જ્યારે તુવેરની દાળનો ભાવ કિલોના રૂ. ૧૭૦થી ૧૮૦ જેટલો છે. તો બીજી બાજુ તેલ વગરની કોરી તુવેરની દાળનો હાલમાં ભાવ તેના કરતાં સાતથી દાશ રૂપિયા ઓછો જોવા મળી રહ્યો છે.

You might also like