ન્યૂ યર પાર્ટી માટે સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ફરજિયાત

અમદાવાદ: ડિસેમ્બર મહિનો એટલે પાર્ટીઓનો મહિનો કહેવામાં આવે છે. ખાસ કરીને તા.રપથી ૩૧ ડિસેમ્બર સુધી પાર્ટીઓ યોજાતી હોય છે. આવતી કાલે નાતાલનો તહેવાર હોવાથી અને તા.૩૧ ડિસેમ્બર ર૦૧પનો આખરી દિવસ હોવાથી નવા વર્ષ ર૦૧૬ને વધાવવા શહેરમાં અનેક જગ્યાએ હોટલો, કલબો તેમજ ફાર્મહાઉસોમાં પાર્ટીઓનું આયોજન થાય છે. પાર્ટીઓ દરમિયાન તેમજ નવા વર્ષના વધામણા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસે સતર્કતાના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના આયોજકે પાર્ટીના સ્થળે લોકોની સુરક્ષા માટે ખાનગી સિકયોરિટી અને સીસી ટીવી કેમેરા લગાવવા સૂચના અપાઇ છે. સીસી ટીવી કેમેરા અને સિકયોરિટી નહીં હોય તો પાર્ટી માટે મંજૂરી મળશે નહી. નિર્ભયા કાંડ બાદ મોડી રાત સુધી યોજાતી પાર્ટીઓ પર પોલીસે તવાઇ બોલાવી છે. નવા વર્ષને આવકારવા લોકો આતુર હોય છે. પાર્ટીઓમાં ખાસ કરીને દારૂની મહેફિલ અને નશાનું પ્રમાણ જોવા મળે છે. જેથી પોલીસ પાર્ટીઓ દરમિયાન સાદા ડ્રેસમાં હાજર રહેશે. સ્થાનિક પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બરે ખાસ કરીને ફાર્મહાઉસ, હોટલો અને કલબો પર બાજ નજર રાખશે.

મહિલાઓની સુરક્ષા માટે પોલીસવાન અને ૧૦૦ નંબર શહેરના મુખ્ય માર્ગ પર સતત પેટ્રોલિંગ કરશે. મહિલા ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા પોલીસની ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ સાદા ડ્રેસમાં હાજર રહેશે. ન્યૂ યર પાર્ટીઓમાં નશાના સપ્લાયને રોકવા અત્યારથી જ નાર્કોટિકસ વિભાગની ટીમે રેલવે સ્ટેશનન, બસસ્ટેશન પર તેમજ ખાનગી વાહનોમાં વોચ ગોઠવી છે. ખાસ કરીને ટ્રેન દ્વારા ગાંજો આવતો હોવાથી જીઆરપી, આરપીએફ અને નાર્કોટિકસ સાથે મળીને ઓરિસા, મધ્યપ્રદેશ, દિલ્હી તરફથી આવતી ટ્રેનોમાં ખાસ ચેકિંગ હાથ ધરશે.

શહેરમાં કોઈ પણ કાર્યક્રમ યોજતા પહેલાં લાઇસન્સ વિભાગમાંથી મંજૂરી લેવી પડતી હોય છે. શહેરમાં યોજાતી 31મી ડિસેમ્બરની પાર્ટી માટે અત્યાર સુધીમાં 21 જેટલી અરજી આવી છે. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં માત્ર એકને મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે લાઇસન્સ વિભાગમાં ફરજ બજવતા પી. આઈ એન. એસ ચૌધરીએ જણાવ્યું કે, ” અત્યાર સુધીમાં 21 જેટલી અરજી આવે છે. અરજીમાં વધારો થવાની શકયતા છે.

સેકટર-૧ જેસીપી રાજીવ રંજન ભગતે જણાવ્યું હતું જે સ્થળે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં મંજૂરી મેળવવા આવતા આયોજકને સૂચના અપાઇ છે કે પાર્ટીના સ્થળે સીસી ટીવી કેમેરા અને ખાનગી સિકયોરિટી રાખવી. ઉપરાંત પોલીસ ફાર્મહાઉસ અને કલબોમાં પણ ચેકિંગ કરશે.

ગુજરાત નાર્કોટિકસ વિભાગના ડાયરેકટર હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બરના રોજ યોજાતી પાર્ટીઓને ધ્યાનમાં રાખીને શહેરના હુક્કાબાર અને ફાર્મહાઉસ પર ખાસ નજર રખાશે.

You might also like