ક્રિસમસ પૂર્વે સોનાના ભાવ તૂટી રૂ. ૨૫,૪૫૦

અમદાવાદ: વર્ષ ૨૦૧૫ પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્રિસમસ વેકેશન પૂર્વે વૈશ્વિક સોનાના ભાવ ઘટીને ૧૦૭૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યા હતા. સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ ઘટીને ૨૫,૪૫૦ની સપાટીએ ખૂલ્યા હતા. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનાના ભાવમાં નવ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ચીનમાં સોનાની માગમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં ઘટાડો જોવાઇ શકે છે. ચીન દ્વારા ખરીદીના અભાવ વચ્ચે સોનાના ભાવ વધુ તૂટ્યા છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૦૩માં ચીનમાં સોનાની માગ ૨૦૦ ટન હતી, જે વર્ષ ૨૦૧૩માં વધીને ૧૦૦૦ ટન કરતાં પણ વધુ થઇ ગઇ હતી, પરંતુ વર્ષ ૨૦૧૫માં ચીનમાં આર્થિક મંદી જેવા માહોલ વચ્ચે સોનાના ભાવ ઘટવા છતાં પણ માગ અપેક્ષા મુજબની જોવાઇ નથી. તેના કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધુ પ્રેશરમાં જોવા મળ્યા હતા. દરમિયાન પાછલા એક વર્ષમાં સોનાના ભાવ રૂ. ૧૪૫૦ નીચા છે, જ્યારે ચાંદીના ભાવ પણ ગત વર્ષની સરખામણીએ પ્રતિકિલોએ રૂ. ૨૨૦૦ નીચા એટલે કે રૂ. ૩૪૦૦૦ની સપાટીએ સ્થાનિક બજારમાં ભાવ જોવા મળી રહ્યો છે.

You might also like