ક્રાઈમ બ્રાંચના કેસો ચાલતા નથી, માત્ર તારીખો પડે છે

અમદાવાદ: અમદાવાદની મેટ્રોપોલિટિન કોર્ટમાં આવેલી ક્રાઇમ બ્રાંચની કોર્ટ છેલ્લા છ મહિનાથી મેજિસ્ટ્રેટની જગ્યા ખાલી હોઈ ગંભીર ગુનાઓના અનેક કેસો ખોરંભે પડ્યા છે.

મેટ્રોપોલિટિન કોર્ટમાં આવેલી 11 નંબરની કોર્ટમાં ક્રાઇમ બ્રાંચ તથા મહિલા ક્રાઇમ બ્રાંચના તમામ કેસો આવે છે. જ્યારે કોઇ પણ આરોપીઓ પકડયા કે પછી કોઇ પણ ગુનાની ચાર્જશીટ ફાઇલ કરવાની હોય તો ક્રાઇમ બ્રાંચના તમામ અધિકારીઓ 11 નંબરની કોર્ટમાં જ આવે છે. ક્રાઇમ બ્રાંચ પાસે મહત્વના કેસોની તપાસમાં કરતી હોવાના કારણે આ ખાસ કોર્ટની રચના કરવામાં આવી હતી. જોકે આ કોર્ટમાં છેલ્લા છ મહિનાથી મેજિસ્ટ્રેટની જગ્યા ખાલી છે.

તારીખ 30-6-2015 ના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ કે.કે.પટેલ નિવૃત થયા પછી ખાલી જગ્યા ભરવામાં આવી નથી. છેલ્લા છ મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની કોર્ટનો ચાર્જ અત્યારે કોર્ટ નં.૧૨ પાસે છે. જોકે આ કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ જે કેસ કરે છે. આ તેના આરોપીઓને માત્ર રજૂ કરવામાં આવે છે. અગાઉ આ ચાર્જ કોર્ટ નં.૩ અને ૧૦ પાસે હતો.

તાજેતરમાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સહિત પાસના 4 અગ્રણીઓની રાજદ્રોહના ગુનામાં ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. બેન્કની ૧.૦૮ કરોડ ભરેલ કેશ વાનની ચોરીમાં ધરપકડ કરાયેલા આરોપી અને એસઓજી ક્રાઇમે પકડેલ 8 લાખની નકલી નોટો કેસના આરોપીઓની ધરપકડ કરીને તેમને મેટ્રોપોલિટિન કોર્ટની ચાર્જ કોર્ટોમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી.

ક્રાઇમ બ્રાંચે નોંધેલા 1987થી લઇને અત્યાર સુધીમાં હત્યા, લૂંટ, જેવા હજારો ગંભીર પ્રકારના ગુનાઓનો મેટ્રોપોલિટિન કોર્ટમાં દાખલ થયા છે જેમાં 5400 જેટલા કેસો હજુ પેન્ડિંગ છે. છેલ્લા 6 મહિનાથી ક્રાઈમ બ્રાંચે કરેલા કેસો ચાલતા નથી. રોજે રોજ ક્રાઇમ બ્રાંચની કોર્ટ નંબર 11માં 100 કરતા વધુ કેસો ચાલવા ઉપર આવતા હોય છે પંરતુ મેજિસ્ટ્રેટના હોઈ રોજે રોજના તમામ કેસોમાં માત્ર તારીખો જ પડી રહી છે. છેલ્લા 6 મહિના ક્રાઇમ બ્રાંચે 125 કરતા વધુ ચાર્જશીટ ફાઇલ કરી છે ત્યારે 120 કરતાં વધુ ગુનાઓમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી 70 કરતા વધુ કેસો સેશન્સ કમિટ થવાના બાકી છે. છેલ્લા 6 મહિનામાં માત્ર 7 કેસો સેશન્સ કમિટ થયા છે. આ મુદ્દે ક્રાઇમ બ્રાંચની કોર્ટના સરકારી વકીલ વાય.કે.વ્યાસે જણાવ્યું છે કે 6 મહિનાથી ક્રાઇમ બ્રાંચ જે આરોપીઓને રજૂ કરે છે તે તમામ આરોપીઓને 11 નંબરની કોર્ટમાં નહી પંરતુ ચાર્જ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે.

90 ના દાયકામાં અંધેરી આલમના કૃખ્યાત ડોન લતીફ, અબ્દુલ વહાબ વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાંચે જે ગુના દાખલ કર્યા હતા તેમાં કેટલાક કેસો હજુ સુધી સેશન્સ કમિટ થયા નથી તેની પાછળ અનેક કારણો છે જે પૈકી 1994માં અબ્દુલ વહાબ અને તેના સાગરીતો વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાંચે 5 યુએસ બનાવટની પિસ્તોલ જપ્ત કરી હતી તે મુદ્દામાલ હજુ સુધી કોર્ટમાં જમા નહીં થતાં કેસ સેશન્સ કમિટ થયો નથી આ સિવાય કેટલાક ગંભીર ગુનાઓમાં આરોપીઓને સમયસર નોટિસ મળતી નહીં હોવાથી અથવા અન્ય વિવિધ કારણોસર 5400 પેન્ડિગ છે. ત્યારે ખંડણીખોર વિશાલ ગોસ્વામી અને એક કા તીન કૌભાંડ જેવા કેસો પણ કોર્ટ નંબર 11 માં ચાલી રહ્યા છે.

You might also like