સાંસદોનાં પગાર-ભથ્થાં બમણાં કરવાની તૈયારીઃ નાણાં મંત્રાલયની મંજૂરીની પ્રતીક્ષા

નવી દિલ્હી: ‌દિલ્હીમાં વિધાનસભ્યોના પગાર બમણા કરાયા બાદ હવે કેન્દ્ર સરકાર પણ સંસદસભ્યોના પગારમાં વધારો કરવા આગળ વધી રહી છે. સાંસદોના પગાર પણ અત્યારે છે તેના કરતાં બમણા થઇ જશે. જો આ દરખાસ્તને નાણાં મંત્રાલય મંજૂરી આપશે તો સાંસદોને દર મહિને રૂ.ર.૮૦ લાખ મળશે. આ ઉપરાંત તેમના પેન્શનમાં પણ વધારો થશે.

કેન્દ્ર સરકારે સાંસદોને પ્રતિ માસ હાલ રૂ.પ૦,૦૦૦ મળે છે તે વધારીનેે રૂ.એક લાખ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. એ જ રીતે સંસદીય ક્ષેત્ર માટે મળતા રૂ.૪પ,૦૦૦નું ભથ્થું વધારીને રૂ.૯૦,૦૦૦ કરવાની યોજના છે.

એક અખબારના અહેવાલ અનુસાર હાલ આ દરખાસ્ત નાણાં મંત્રાલય સમક્ષ પડતર છે. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં સાંસદોનું પેન્શન રૂ.ર૦,૦૦૦થી વધારીને રૂ.૩પ,૦૦૦ કરવાની રજૂઆત છે. આ ઉપરાંત પાંચ વર્ષથી વધુ સમય સાંસદ તરીકે રહી ચૂકેલા નેતાઓને પેન્શન પેટે વધુ રકમ મળશે. દર પાંચ વર્ષ પછી આગામી દર વર્ષે પેન્શનમાં રૂ.ર,૦૦૦નો વધારો મળશે. હાલ આ રકમ રૂ.૧,પ૦૦ છે.

નાણાં મંત્રાલયે લોકસભા સાંસદોના પ્રવાસ માટે રૂ.ર૯પ.રપ કરોડ અને રાજ્યસભાના સાંસદો માટે રૂ.૧ર૧.૯૬ કરોડની ગત બજેટમાં ફાળવણી કરી હતી. સાંસદોને દૈનિક ભથ્થું રૂ.ર,૦૦૦ મળે છે તે રૂ.૪,૦૦૦ કરવામાં આવશે. સેક્રેટેરિયલ એલાઉન્સ રૂ.૪પ,૦૦૦ છે તે વધારીને રૂ.૯૦,૦૦૦ કરવામાં આવશે.

You might also like