ઓછા પોલીસ ફોર્સને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થતાં લોકો ત્રાહિમામ્

અમદાવાદ: શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોજબરોજ કથળી રહી છે. ઓછા પોલીસ ફોર્સના કારણે ટ્રાફિક નિયંત્રણ કરવામાં મોટી તકલીફ પડતી હોવાનું તારણ બહાર આવ્યું છે. ટ્રાફિક વિભાગ પાસે હાલ માત્ર ૧૧૦૦નો સ્ટાફ છે. જોકે મંજૂર મહેકમ ૩પ૦૦ કોન્સ્ટેબલનું છે, પરંતુ ર૪ કોન્સ્ટેબલની ઘટના કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા જળવાતી ન હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામ થતો હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં વધતી જતી ટ્રાફિક વ્યવસ્થાનું મુખ્ય કારણ ઓછો પોલીસ ફોર્સ છે. શહેરના મુખ્ય જંકશનો પર ટ્રાફિક જવાનોની ગેરહાજરીના કારણે લોકોને ભારે તકલીફ વેઠવી પડે છે. ટ્રાફિક વિભાગમાં કુલ ૩પ૦૦ના સ્ટાફનું મંજૂર મહેકમ છે, પરંતુ ૧૧૦૦નો સ્ટાફ ફાળવાયો હોવાથી મોટી ઘટ પડી છે. શહેરના નવા બનાવાયેલા ટ્રાફિક પોલીસ સ્ટેશનોમાં માત્ર ૧પ૦નો સ્ટાફ છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ચિંતાજનક બની છે.

ટ્રાફિકની આ સમસ્યાનું એક કારણ આડેધડ પાર્કિંગ પણ છે. કેમ્પ હનુમાન, જુહાપુરા, એઇસી ચાર રસ્તા, ઘોડાસર, ઇસનપુર, રાયપુર, રિલીફ રોડ, જશોદાનગર ચોકડી, અંજલી ચાર રસ્તા, સુભાષચોક, ગુરુકુલ, વિશાલા સર્કલ, મહાલક્ષ્મી ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, માણેકબાગ, કાલુપુર અને નહેરુનગર ચાર રસ્તા પર પીક અવર્સમાં જબરદસ્ત ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને હજારો વાહનચાલકો અટવાઇ પડે છે.

મળતી માહિતી પ્રમાણે ૧૧૦૦ પોલીસ જવાનો, ૭૦૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ૯૦૦ હોમગાર્ડના જવાનો ટ્રાફિક વ્યવસ્થા માટે ગોઠવવામાં આવ્યા છે. ૩૦ર મોટા ટ્રાફિક જંકશનો છે. જેમાંથી ૧૦ર ટ્રાફિક જંકશન એવા છે કે જ્યાં ટ્રાફિક પોલીસની બિલકુલ હાજરી જોવા મળતી નથી. ૧ર ટ્રાફિક સિગ્નલો કામ કરી રહ્યા નથી. આ બધા કારણોથી દિન પ્રતિદિન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ રહી છે.
આ ઉપરાંત વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ તો લોકો માટે માથાના દુઃખાવારૂપ સાબિત થઇ રહ્યું છે. આ ક્રોસિંગ પર રેલવેના આવનજાવનના સમયે ટ્રાફિકની પરિસ્થિતિની સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ઘણીવાર કથળી જાય છે. ઠેર ઠેર મારામારીનાં દૃશ્યો જોવા મળે છે. આમ શહેરની ટ્રાફિકની સ્થિતિ રોજબરોજ વધુને વધુ ચિંતા જનક બની ગઇ હોઇ લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે.

You might also like