દાહોદની ઘટનાથી ગુજરાતમાં જંગલરાજ હોવાની પ્રતીતિઃ ભરતસિંહ

ગાંધીનગર: દેશના અન્ય રાજ્યમાં જંગલરાજ હોવાનું કહેતા ભાજપના જ ગુજરાતમાં જંગાલીયતભર્યું રાજ ચાલતું હોવાની પ્રતિતિ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ગઈકાલે યોજાયેલી બેઠક બાદ બનેલી ઘટના ઉપરથી પ્રતિત થાય છે. દાહોદમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો બસમાં હોત તેમને જીવતા સળગાવી દેવાનું કાવતરું કરતાં ભાજપના કાર્યકરો અચકાત નહી તેમ જણાવીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે દાહોદ જિ. પં.ની બેઠક મુલતવી રાખવાના મામલે લોકતાંત્રિક અને કાનૂની રીતે લડત અપાશે.

દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણીમાં ગઈકાલે જિલ્લા કલેક્ટરે બેઠક મુલતવી રાખ્યા બાદ ભાજપના કાર્યકરો દ્વારા ભારે હંગામો મચાવાયો હતો. એટલું જ નહીં કોંગ્રેસના સભ્યોને લઈને આવેલી બસને પણ સળગાવી દીધી હતી. ત્યાર બાદ આજે મળેલી જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના સભ્યોએ ભારે હંગામો મચાવતાં કલેક્ટરે બેઠકને અચોક્કસ મુદત માટે મુલતવી રાખી હતી. જેના કારણે કોંગ્રેસના સભ્યોમાં દહેશતની લાગણી પ્રસરી ગઈ હતી. આથી કોંગ્રેસના સભ્યોને પોલીસ પ્રોટેક્શન હેઠળ અમદાવાદ લવાયા હતા.

આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહે દાહોદ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની વ્યથા અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જનતાના જનઆશીર્વાદ કોંગ્રેસને મળ્યા હોવા છતાં તેને સ્વીકારવાના બદલે ભાજપે સત્તા મેળવવા માટે અનૈતિક, ગુંડાગીરી, ધાક-ધમકી, લોભ-લાલચ જેવા હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે. દાહોદ જિ.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં જિલ્લા કલેક્ટરે નિયમ મુજબની કાર્યવાહી કરી નથી.એટલું જ નહીં ભાજપના ઈશારે અચોક્કસ મુદત માટે ચૂંટણી પ્રક્રિયા માટેની બેઠકને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ભાજપના શાસકો એક તરફ ગુજરાતમાં શાંતિના, બહેન-દીકરીની સલામતીના દાવાઓ કરે છે અને બીજા રાજ્યોમાં આ અંગે વાત કરે છે. હકીકતમાં ગુજરાતમાં જિ.પં.ના ચૂંટાયેલા મહિલા સભ્યો પોતાના અને વાત કરવા માટે અલામતી અનુભવી રહ્યા છે. દાહોદમાં બે દિવસથી જે રીતે ગુંડાગર્દી, બસ સળગાવવાની ઘટના અને પોલીસ તરફથી સલામતીની ખાતરી ન આપવી તે ગંભીર બાબત છે. બિહારમાં ભાજપને જાકારો આપ્યા બાદ ગુજરાતમાં પણ જનતાએ જાકારો આપ્યો છે. ગુજરાતમાં ભાજપની ગુંડાગીરી અને અનૈતિક કામગીરી સામે કોંગ્રેસ પક્ષ લડત ચલાવશે.

You might also like