અમદાવાદની ૯ પૈકી કોંગ્રેસે પાંચ,ભાજપે ચાર તા.પં.કબજે કરી

અમદાવાદ : અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગઈકાલે કોંગ્રેસની બહુમતિથી પ્રમુખ પદે ડાભી પુષ્પાબહેન અને ઉપપ્રમુખ પદે સોલંકી અમરસિંહની વરણી કરવામાં આવી હતી. જ્યારે જિલ્લાની કુલ નવ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસે પાંચ અને ભાજપે ચાર તાલુકા પંચાયત કબજે કરી છે. વિરમગામ તા.પં.માં પ્રમુખ પદે સિદાણી જાહીરૂબહેન અને ઉપપ્રમુખ પદે ઠાકોર હંસાબહેન ભાજપમાંથી ચૂંટાયા હતા. જ્યારે સાણંદ તાલુકાના પ્રમુખ પદે વાઘેલા જગદીશસિંહ અને ઉપપ્રમુખ પદે મકવાણા સંજયભાઈની વરણી થઈ છે.

દેત્રોજમાં ભાજપ તરફથી પ્રમુખ પદે સોલંકી દિપિસંહ અને ઉપપ્રમુખ પદે ઝાલા સુંદરબા ચૂંટાયા છે. આ ઉપરાંત દશક્રોઈ તાલુકામાં ભાજપ તરફથી પ્રમુખ પદે પટેલ વૈશાલીબહેન અને ઉપપ્રમુખ પદે ઠાકોર જનકભાઈ ચૂંટાયા છે. માંડલમાં પ્રમુખ પદે વાઘેલા કુ. દિપીકાબહેન, અને ઉપપ્રમુખ તરીકે ઠાકોર ઈશાબહેનની વરણી થઈ છે. બાવળામાં કોંગ્રેસ તરફથી પ્રમુખ પદે મેર પ્રભુભાઈ અને ઉપપ્રમુખ તરીકે પરમાર ભરતસિંહની વરણી થઈ છે.

આ ઉપરાંત ધંધુકામાં કોંગ્રેસના પ્રમુખ તરીકે મકવાણા જયાબહેન અને ઉપ પ્રમુખ તરીકે ધરજીયા કાળુભાઈની વરણી કરવામાં આવી છે. જોકે ધોલેરા તાલુકામાં કોંગ્રેસે મોકલાવેલો મેન્ડેટ પહોંચી નહિ શકતા કોંગ્રેસના ટેકાથી અપક્ષના પ્રમુખ પદે ચુડાસમા ગીતાબા અને ઉપપ્રમુખ તરીકે વસાણી ચીથરભાઈની વરણી કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરે જણાવ્યું હતુ કે દસ વર્ષ બાદ અમદાવાદ જિલ્લા પંચાયત કબજે કરવામાં કોંગ્રેસને સફળતા મળી છે. અને જિલ્લાની નવ તાલુકા પંચાયતમાંથી બાવળા, ધંધુકા, ધોલેરા, માંડલ અને ધોળકા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે સત્તા મેળવી છે. કોંગ્રેસ આગામી દિવસોમાં પ્રજાલક્ષી કામોને મહત્વ આપી શકય તેટલા વિકાસકામો કરશે.

You might also like