સલમાન ખાન સામે સુપ્રીમમાં અપીલ કરવા મહારાષ્ટ્ર તૈયાર

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં અભિનેતા સલમાન ખાનને નિર્દોષ છોડી મુકવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં તે અપીલ કરશે. સોમવારના દિવસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ૧૦મી ડિસેમ્બરના મુંબઈ હાઈકોર્ટના ચુકાદામાં અભ્યાસ કરી રહી છે.

૧૦મી ડિસેમ્બરના દિવસે સલમાન ખાનને આ કેસના તમામ આરોપોમાંથી નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો. સરકાર ચુકાદામાં અભ્યાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે. ફડણવીસ એમ પણ કહી ચુક્યા છે કે, નિશ્ચિત સમય ગાળાની અંદર આ મામલામાં આગળ વધવામાં આવશે. ૧૦મી ડિસેમ્બરે હાઈકોર્ટે કહ્યું હતું કે, પ્રોસીક્યુશન તમામ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ છે.

સલમાન ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો મુકવામાં આવ્યા હતા. રાજ્યના પ્રોસીક્યુટરો કહી ચુક્યા છે કે, આ કેસ હાઈકોર્ટમાં અપીલ કરવા માટે પણ યોગ્ય કેસ છે. બીજી બાજુ બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનને મોટી રાહત થઇ છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસમાં રજૂઆત કરવા જઈ રહી છે. મુંબઈ હાઈકોર્ટે કેટલીક ઉદાસીનતા દાખવી હોવાનો આક્ષેપ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ હાઈકોર્ટે ૧૦મી ડિસેમ્બરના દિવસે બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનને વર્ષ ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં તમામ આરોપોમાંથી મુક્તિ આપી દીધી હતી. આ મામલામાં હાઈકોર્ટે ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ સલમાનને રાહત આપવા તેના કરોડો ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

અગાઉ સમગ્ર દેશને હચમચાવી મુકનાર વર્ષ ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં ૬ઠ્ઠી મેના દિવસે દોષિત ઠેરવીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. સલમાનને છઠ્ઠી મેના દિવસે એડિશનલ સેશન જજ ડીડબલ્યુ દેશપાંડેએ દોષિત ઠેરવીને આ સજા ફટકારી હતી. જો કે, કલાકોના ગાળામાં જ મુંબઈ હાઈકોર્ટે સલમાનને વચગાળાના જામીન આપી દીધા હતા.

You might also like