મતદારયાદીમાં નામ નોંધણી માટે નિરસતા દર્શાવતા વિદ્યાર્થીઅો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાનાર રજિસ્ટર્ડ સેનેટની ચૂંટણી માટે મતદાર નોંધણી અને મતદારયાદી સુધારણાની પ્રક્રિયા હાથ ધરવામાં અાવી છે. નામ નોંધણી માટે વિદ્યાર્થીઅોમાં નિરસતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એક સપ્તાહમાં હજુ સુધી માત્ર 50 વિદ્યાર્થીઅોએ નામ નોંધણી કરાવી છે.

અાર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન (બી.એડ્.), લૉ, ડેન્ટલ અને મેડિકલ ફેકલ્ટી એમ કુલ સાત ફેકલ્ટીમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ મતદાર તરીકે નામ નોંધણી કરવાની પ્રક્રિયા છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવામાં અાવી છે. અા પ્રક્રિયામાં હજુ સુધી માત્ર 50 વિદ્યાર્થીઅોએ મતદાર તરીકે પોતાના નામની નોંધણી કરાવી છે, જેમાં સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં 38 મતદારો નોંધાયા છે. ત્યાર બાદ એજ્યુકેશન (બી.એડ્.) ફેકલ્ટીમાં 7 અને અાર્ટ્સ ફેકલ્ટીમાં 6 વિદ્યાર્થીઅોએ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ મતદાર તરીકે નોંધણી કરાવી છે. ગુજ. યુનિ.માં હાલ 28,000થી વધુ વિદ્યાર્થીઅો રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ વોટર તરીકે નોંધાયેલા છે. અા નોંધાયેલા રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ વોટરે જે તે ફેકલ્ટીમાં પોતાનું નામ નોંધાવ્યું હોય તે ફેકલ્ટીમાં જ મતદાન કરી શકે છે. રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ વોટર 62 વર્ષ સુધી મતદાર તરીકે મતદાન કરી શકે છે. 62 વર્ષ પૂરા થયા બાદ તેનું નામ મતદાર તરીકેથી કમી કરવામાં અાવે છે તેવી જોગવાઈ પણ કરવામાં અાવી છે.

You might also like