ગાજિયાબાદમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમની કાર સળગાવાઇ

મુંબઈ: ડિસેમ્બરના આરંભમાં હરાજી દરમિયાન ફરાર ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમની કારની સફળ બોલી લગાવનારા દ‌ક્ષિણપંથી હિન્દુ નેતા સ્વામી ચક્રપાણીઅે આજે ગાઝિયાબાદમાં આ કારને જાહેરમાં સળગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાએ આ કાર 9 ડિસેમ્બરના રોજ 32 હજાર રૂપિયામાં ખરીદી હતી.

આ અંગે ચક્રપાણિઅે વધુમાં જણાવ્યું હતું કે અમારા સંગઠને ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં બપોરે અેકથી બે કલાક દરમિયાન આ કારને જાહેરમાં સળગાવી દેવા નિર્ણય કર્યો હતો. ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરનારા અને રામ જન્મભૂમિ કેસના અરજદારોમાંથી અેક અેવા ચક્રપાણિઅે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરીતોઅે દેશમાં અને ખાસ કરીને મુંબઈમાં જે આતંકવાદ ફેલાવ્યો હતો તેનાથી કારને સળગાવવી અેક સાંકેતિક રીતે આતંકવાદને અંતિમ સંસ્કાર આપવા સમાન બાબત છે.

મુંબઈમાં ગત નવમી ડિસેમ્બરે થયેલી દાઉદ ઈબ્રાહીમની મિલકતની હરાજી દરમિયાન ચક્રપાણિઅે લીલા કલરની હ્યુન્ડાઈ અેસેન્ટ કાર પર ૩૨ હજારની બોલી લગાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ કારને પહેલાં મે અેમ્બ્યુલન્સમાં ફેરવવા વિચાર્યું હતું. પરંતુ ડી ગેંંગના સાગરીતોઅે મને આવુ કરવા બદલ દુષ્પરિણામ ભોગવવા તૈયાર રહેવા ધમકી આપી હતી ત્યારે મેં તેમની જ ભાષામાં જવાબ આપવા નિર્ણય કર્યો હતો.

આ કારને થોડા દિવસ પહેલા મુંબઈથી દિલ્હી લઈ જવાઈ હતી. કાર ખૂબ જ કંડમ હાલતમાં હતી. ચક્રપાણિઅે જણાવ્યું કે તેમને કોઈ સુરક્ષાની જરૂર નથી. કારણ તે ખતરાથી ડરતા નથી. પરંતુ તેમણે ધમકી મળ્યા બાદ ૧૧ ડિસેમ્બરે દિલ્હીના મંદિર માર્ગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

You might also like