ધોની કરે કામ, વિરાટ કરે આરામ

નવી દિલ્હીઃ વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ શરૂ થઈ ચૂકી છે. ધોની ઝારખંડની ટીમ તરફથી રમ્યો છે, પરંતુ વિરાટ કોહલી દિલ્હી તરફથી રમી રહ્યો નથી, કારણ કે વિરાટે આરામ કરવાનું પસંદ કર્યું છે. વિજય હજારે ટ્રોફીને ઓસ્ટ્રેલિયા શ્રેણીની તૈયારીઓ તરીકે જોવામાં આવી રહી છે. હવે સવાલ એ ઊઠી રહ્યા છે કે આટલી મોટી શ્રેણી પહેલાં વિરાટને આરામ કરવાની શી જરૂર છે? ધોની આ મેચ માટે પરસેવો પાડી રહ્યો છે, સખત મહેનત કરી રહ્યો છે, પરંતુ વિરાટ આરામ ફરમાવી રહ્યો છે. અનુષ્કા શર્મા સાથે ફૂટબોલ મેચ નિહાળતો રહ્યો છે.

ધોનીની તૈયારી ઓસ્ટ્રેલિયા સામેની મોટી ટક્કર માટે થઈ રહી છે. હવે ડિસેમ્બરમાં કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની નહોતી તો ધોની મેચ પ્રેક્ટિસ માટે વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. ધોની ઉપરાંત રહામે, જાડેજા, અશ્વિન, શિખર ધવન, ઈશાંત શરમા જેવા બધા ખેલાડી વિજય હજારે ટ્રોફીની આ સિઝનની મેચમાં રમ્યા છે. એવામાં હવે પ્રશ્ન એ છે કે વિરાટ કોહલી વિજય હજારે ટ્ોફીમાં શા માટે નથી રમી રહ્યો? ચાલો માની લઈએ કે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામે બે મહિનાથી ક્રિકેટ રમી રહ્યો હતો, પરંતુ પાછલા દિવસથી તે એક પણ મેચમાં રમ્યો નથી.

આ ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૧૫માં પણ ભારત કોઈ શ્રેણી રમ્યું નહોતું, ત્યારે પણ વિરાટ તો આરામ જ કરતો હતો. એવામાં જો આગામી ઓસ્ટ્રેલિયા શ્રેણીની વાત કરીએ તો શું કોહલીને પ્રેક્ટિસ ના કરવી જોઈએ? ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ ભારતે સીધું ટી-૨૦ વિશ્વકપમાં રમવાનું છે. આ હિસાબે પણ વિજય હજારો ટ્રોફીની મેચમાં રમવું બહુ જ જરૂરી હતું. ભારતીય ટીમ ૧૨ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પાંચ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમવાનું છે.

You might also like