ક્રૂડ ૧૧ વર્ષના તળિયેઃ એક બેરલના ૩૬.૦૬ ડોલર થયા

નવી દિલ્હી: ક્રૂડ રોજેરોજ નવું તળિયું શોધી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ સોમવારે ૧૧ વર્ષની નીચી સપાટીને સ્પશ્ર્યો હતો. એનો અર્થ એ થયો કે, ક્રૂડ ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી કરતાં પણ નીચાસ્તરે ગબડ્યું છે અને વિશ્લેષકો હજુ પણ તેમાં વધુ ઘટાડાની આગાહી કરી રહ્યા છે. ક્રૂડનું વૈશ્વિક ઉત્પાદન હાલ વિક્રમ સપાટીએ છે. આગામી સમયમાં ઇરાન અને અમેરિકાનો નવો સપ્લાય બજારમાં આવવાનો બાકી છે. ગયા સપ્તાહે ફેડ દ્વારા દાયકામાં પહેલી વખત વ્યાજદરમાં વૃદ્ઘિ અને અમેરિકામાં વધી રહેલી ઇન્વેન્ટરીને પગલે ક્રૂડનો ભાવ સતત દબાણ હેઠળ છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો બે ટકા ઘટીને પ્રતિ બેરલ ૩૬.૦૬ ડોલરના સ્તરે સરકયો હતો, જે જુલાઈ ૨૦૦૪ પછીનું સૌથી નીચું લેવલ છે. ઉપરાંત, તે ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી વખતના ૩૬.૨૦ના સ્તર કરતાં પણ નીચું છે.

અમેરિકન વેસ્ટ ટેકસાસ ઇન્ટરમિડિયેટ (WTI) ક્રૂડ વાયદો પણ પ્રતિ બેરલ ૪૧ સેન્ટ ઘટીને બેરલ દીઠ ૩૪.૩૪ ડોલરને સ્પશ્ર્યો હતો. માગની તુલનામાં નોંધપાત્ર ઉત્પાદનને કારણે બેન્ચમાર્ક ક્રૂડમાં ૨૦૧૪ના મધ્ય ભાગથી ૬૬ ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે. વિશ્લેષકોને આગામી સમયમાં ક્રૂડના ભાવ વધુ ઘટવાનું જોખમ જણાય છે. બાર્કલેઝે સોમવારે જણાવ્યું હતું કે, ‘ભાવમાં હજુ વધુ ઘટાડાની શકયતા છે.’ મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું કે, ‘ક્રૂડમાં ઘટાડાને પગલે ૨૦૧૬માં રિબેલેન્સિંગની શકયતાને મોટો આંચકો લાગ્યો છે. ૨૦૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇરાનનો ઓછામાં ઓછો પાંચ લાખ બેરલનો પુરવઠો બજારમાં આવશે.

ઉપરાંત, લિબિયાનું ઉત્પાદન વધી રહ્યું છે અને માગમાં ઘટાડાને લીધે ક્રૂડના ભાવ પર દબાણ વધશે.’ અમેરિકામાં ઓઇલ રિંગની સંખ્યા ૧૭થી વધીને ૫૪૧ થઈ છે. ગયા સપ્તાહે ફેડ દ્વારા વ્યાજદરની વૃદ્ઘિને પગલે ડોલર મજબૂત બન્યો છે. એટલે અન્ય ચલણનો ઉપયોગ કરતા દેશો માટે ક્રૂડ મોંઘું થયું છે. તેણે પણ ભાવમાં નરમાઈને વેગ આપ્યો છે. છદ્ગઢ બેન્કે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં ક્રૂડનો સ્ટોક વધીને ૪૯.૧ કરોડ બેરલે પહોંચ્યો છે, જે ૧૯૩૦ પછી સૌથી વધુ છે.’

ઉલ્લેખનીય છે કે, ઓપેકમાં અગ્રણી સાઉદી અરેબિયાનું ઉત્પાદન સપ્ટેમ્બર-ઓકટોબરના ગાળામાં દૈનિક ૧૦૨.૨૬ લાખ બેરલથી વધીને ૧૦૨.૭૬ લાખ બેરલે પહોંચ્યું છે. ઇરાકના ઓઇલ પ્રધાન આદેલ અબ્દુલ મહદીએ જણાવ્યું હતું કે, ભાવમાં ઘટાડો છતાં ઓપેક ૪ ડિસેમ્બરના ઉત્પાદનમાં કાપ નહીં મૂકવાના નિર્ણયને વળગી રહેશે. ઉપરાંત, ૨૦૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇરાનનું ક્રૂડ પણ બજારમાં આવશે.

You might also like