તૃણમુલ સાંસદે કહ્યું નિર્ભયા મારી પુત્રી હોત તો અપરાધીઓને ગોળી મારી દીધી હોત

નવી દિલ્હી: રાજ્યસભામાં જુવેનાઇલ બિલ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન સગીરની ઉંમર મર્યાદા કેટલી રાખવી તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. ચર્ચા દરમિયાન તૃણમુલ નેતા ડેરેક ઓ બ્રાયન ઉગ્ર થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ભગવના ના કરે જો મારી પુત્રી સાથે આવું કંઇ થયું હોત તો મેં સર્વશ્રેષ્ઠ વકીલ કર્યો હોત અથવા તો બંદૂક કાઢીને અપરાધીઓને ગોળી મારી દીધી હોત.

રાજ્યસભામાં સગીર પર થઇ રહેલી ચર્ચા દરમિયાન નિર્ભયાના માતા પિતા પણ ત્યાં હાજર હતા. રાજ્યસભા શરૂ થઇ તે પહેલાં તેઓ સંસદીય કાર્ય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને મળ્યાં હતા. જ્યાં એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ બિલ સંસદમાંથી પાસ થઇ જશે. નિર્ભયાની માતાએ પહેલા જ કહી દીધું છે કે હવે તેઓ કાયદામાં સુધારો કરવા માટે આ લડત આપી રહ્યાં છે.

ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, સગીરની ઉંમરને લઇને તમામનો એક મત નથી. પરંતુ અમારે તે વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે અપરાધીઓ સગીરોનો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. હાલ આ બિલ રાજ્યસભામાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે, તે બોર્ડ નક્કી કરશે કે, કોઇ પણ ગુનો કરતી વખતે સગીરની માનસિકતા બાળપણની હતી કે વયસ્કની.

કિર્તી આઝાદે આ અંગે કહ્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને વધારે અધિકાર આપવા જોઇએ. તેમણે જેલમાં પણ સુધારો કરવાની વકાલત કરતાં કહ્યું કે, જેલમાં અપરાધીઓને પણ શિક્ષિત કરવાની એક સિસ્ટમ હોય છે. તેમને પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો એક અવસર આપવો જોઇએ.

You might also like