અત્ર, તત્ર, સર્વત્ર વસે છે પરમેશ્વર

પરમેશ્વર એટલે ઈશ્વર. ઈશ્વર એટલે ભગવાન. દરેક મનુષ્ય તેના જીવનમાં ઈશ્વરને કે પરમેશ્વરને શોધવાનો પ્રયત્ન કરતો જ હોય છે. ભલે ભલેને નાસ્તિકમાં તો નાસ્તિક જ કેમ નથી? નાસ્તિક મનુષ્ય ઈશ્વરને પામવા માટે જ ઈશ્વરના અસ્તિત્વને નકારે છે. તે એવું માને છે કે ઈશ્વરને પામવા માટેનો જ આ એક ઉત્તમ માર્ગ છે. તેની ભયંકર નકારાત્મકતામાં ઈશ્વર પ્રત્યેનો અપાર અનુગ્રહ હોય છે. તેથી જ તો ઈશ્વરને નકારતો હોય છે.

ઈશ્વર કહો કે પરમેશ્વર, તેજગતના અણુએ અણુમાં પ્રવરતે છે. પછી તે ભલે ગમે તે સ્વરૂપમાં જ કેમ ન હોય. કોઈ વખત તે રામ હોય તો કોઈ વખત તે શ્રીકૃષ્ણ, તો કોઈ વખત અલ્લાહ સ્વરૂપે પણ શ્રદ્ધાળુને દેખાય છે. ઈશ્વર સિવાયનું જગતનું કોઈ જ સ્થાન નથી. ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તેવી એક પણ જગ્યા હોય તો બતાવો મને. એક સુંદર ઉદાહરણ છે. એક વખત ઉદ્દાલક મુનિ આશ્રમમાં ૧૦,૦૦૦ શિષ્ય વિદ્યાભ્યાસ કરતા હતા, તે તેમણે તેમના ૧૦ પ્રિય શિષ્યને બોલાવીને કહ્યું કે, ”આ કેરી લો. તેને તમે એવે ઠેકાણે જઈને ખાવ કે તે ખાતા તમને કોઈ જોઈ ન શકે.” તેમના પ્રિય શિષ્ય ખૂબ બુદ્ધિમાન હતા. છતાં ગુરુનો આદેશ માનીને તેઓ નીકળી પડ્યા, પરંતુ થોડાક જ સમયમાં તેઓ પાછા આવ્યા અને ઉદ્દાલક મુનિના ચરણાર્વિંદમાં બેસી કહેવા લાગ્યા કે, ”હે પરમ જ્ઞાની ગુરુદેવ, આપના આદેશ મુજબ અને આ આમ્રફળ આરોગવા ક્યાં ક્યાં ન ફર્યા, પરંતુ અમને એક પણ એવું સ્થળ ન મળ્યું કે જ્યાં ઈશ્વરની હાજરી ન હોય.” આમ શિષ્યની જેમ પ્રત્યેક સ્થળે ઈશ્વરને નિહાળનાર કદી ચોરી કરે ખરો? તે કોઈને છેતરશે ખરો? મહાન સંત તુસીદાસજીએ પણ જગતની તમામ વસ્તુમાં ઈશ્વરનાં જ દર્શન કર્યાં છે.

ઘટમાં ઘટમાં નાથ સમાયા, રોમ રોમમાં એ જ છુપાયા
માત્ર પથ્થર, ધાતુ કે લાકડાંની મૂર્તિમાં જ ઈશ્વર છે તેમ ન માનશો.પ્રત્યેક સજીવમાં, પશુમાં, પંખીમાં, દરેક જીવ જંતુમાં ઈશઅવરનો અંશ છે જ. આ સત્યને જીવનમાં ઉતારતાં સંત એકનાથે રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ચડાવવાનું ગંગાજળ, તરસથી તરફડતા ગધેડાને પીવડાવી દીધું હતું તે ગધેડમાં જ તેમને રામેશ્વરમના દર્શન થયાં ગતા.

સર્વમાં ઈશ્વરનાં દર્શન કરીશું તો આપણે કોઈનુંય અપમાન નહીં કરીએ. કોઈનોય તિરસ્કાર નહીં કરીએ. કોઈનેય કડવાં વેણ નહીં કહીએ. આવું વિચાર નાર મનુષ્ય પોતે જ અજાતશત્રુ બની જશે. મંદિરમાં સ્થાપિત થયેલાં દેવી દેવતાનો તિરસ્કાર કરવાની હિંમત હોય તો જ આપણે બારણે આવેલા ભિક્ષુકનો તિરસ્કાર કરી શકીશું. મંદિરમાં બેઠેલા ભગવાનને પથ્થર મારવાની શક્તિ હસે તો જ કૂતરાને પથ્થર મારવાની હિંમત કરીશું. સમગ્ર સચરાચર વિશ્વને ઈશ્વરમય માનતો મનુષ્ય ઉચ્ચ કક્ષાના ગુણ વિકસાવી સાચા અર્થમાં માનવમાંથી મહામાનવ બની જશે. શ્રીમદ ભગવદ્ગીતામાં પણ લખ્યું છે કે:
ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે તિષ્ઠતિ અર્જુન ।। અર્થાત્
હે પાર્થ, હે પરંતપ, હે અર્જુન, ઈશ્વર જગતના પ્રત્યેક જીવમાં બિરાજમાન છે જ. વિશ્વમાં સારી વસ્તુ કે સદ્ગુણ હોય તેમાં કશું આશ્ચર્ય નથી, પરંતુ ખરાબ કે દુષ્ટ વ્યક્તિમાં પણ ઈશ્વર છે તેમ માની તેની સાથે વર્તન કરનાર મહાન છે.
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like