અમદાવાદ પોલીસ ચેઇન સ્નેચિંગ, ઘરફોડ, વાહન ચોરીના ભેદ ઉકેલવામાં ઢીલી

અમદાવાદ: અાંકડાઅોની વાત સાચી માનીઅે તો અમદાવાદ શહેર પોલીસ હત્યા, હત્યાની કોશિશ, ધાડ જેવા ગંભીર ગુનાઅોનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખે છે, અા વાત પ્રશંસનીય પણ છે. પરંતુ જો વાત કરીઅે ધરફોડ ચોરી, વાહન ચોરી કે ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઅોની તો અા ગુનાઅોમાં શહેર પોલીસનો ડિટેક્શન રેશીયો અચાનક જ નબળો પડી જાય છે. અા અપરાધોનો ભેદ ઉકેલવામાં અમદાવાદ પોલીસ ‘અસહિષ્ણુ’ બની હોય તેવું લાગે છે. વર્ષ ૨૦૧૫માં વાહન ચોરીનાં આશરે ૧૫૪૦ જેટલા કેસ નોંધાયા છે જેમાંથી માત્ર ૫૩૪ જેટલા જ કેસો ઉકેલવામાં પોલીસ સફળ રહી છે. જ્યારે દિવસ અને રાતે થતી ઘરફોડ ચોરીના કેસોમાં પોલીસ માત્ર ૬૦ ટકા જેટલા કેસો ઉકેલી શકી છે

મેગા સિટી અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સામાન્ય તકરારમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી તેમજ પથ્થરમારાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. શહેર પોલીસ આવા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે શહેરમાં સઘન વોચ તેમજ દિવસ રાત પેટ્રોલિંગ પણ કરી રહી છે. જ્યારે સામાન્ય ગુના જેમ કે ઘરફોડ , વાહન ચોરી , ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ શહેરમાં વધી રહ્યા છે પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. કોઈ પણ શહેરીજન વાહન ચોરીની ફરિયાદ નોંધાવા માટે તેના નજીકનાં પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે તેની પાસે માત્ર અરજી લખાવી તેને થોડા દિવસ પછી આવી તે અરજી અંગે પૂછવા માટે કહેવામાં આવે છે. થોડા દિવસ બાદ જ્યારે તે વ્હીકલ અંગે પૂછવામાં આવે ત્યારે તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવે છે.

ઘરફોડ, વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા મોટાભાગની ઘટનાઓમાં પોલીસ ગુનોનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે . પાટીદાર અનામત આંદોલન, ગણેશોત્સવ, બકરી ઈદ, વીવીઆઈપીના અને અન્ય બંદોબસ્તને લઈ પોલીસ વ્યસ્ત રહેતા ગુનેગારો વ્યસ્ત બની ગયા છે. જયારે છેલ્લા એક વર્ષમાં વાહન ચોરીનાં કુલ ૧૫૪૦ ગુના નોંધવામાં આવ્યા છે પણ તેમાંથી માત્ર ૫૩૪ જેવા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જ્યારે ઘરફોડના કુલ ૫૨૩ કેસો પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે જેમાંથી માત્ર ૨૧૭ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.

આ અંગે સેક્ટર-૧ જેસીપી રાજીવ રંજન ભગતે જણાવ્યું કે શહેરમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરી ઓછી થાય તે માટે ક્રાઈમ અને સ્પોટ મેપિંગની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે અન્ય ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને બેલ ન મળે તે માટે પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પોલીસ દ્વારા માત્ર અરજી લેવાય છે, ફરિયાદ લેવાતી નથી
વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ, ખીસાં કાપવાં જેવા ગુનાઓ પર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરમાં થતી વાહન ચોરીનાં ગુનાઓનાં કેસો સૌથી વધુ નોંધવામાં આવ્યા છે પણ પોલીસ દ્વારા માત્ર 34 ટકા જેટલું ડિટેકશન કરવામાં આવ્યું છે. વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા આવેલા શહેરીજનોને માત્ર અરજી લઈને પાછા મોકલી આપવામાં આવે છે. જયારે હત્યા અને હત્યાની કોશિશ જેવા ગુનાઓમાં પોલીસ પૂરતો સમય આપી ગુનેગારને પકડતી હોય છે .

You might also like