જલપરીની મુસાફરી બાળકો માટે ફ્રી તો છે, પરંતુ કોઈને જાણ નથી

અમદાવાદ: શહેરના મેયર ગૌતમ શાહે કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકો માટે બે નવી જલપરી આગામી કાર્નિવલ નિમિત્તે તા.રપ ડિસેમ્બરે શરૂ કરવાની આવકારદાયક જાહેરાત કરી છે, પરંતુ મ્યુનિ. સત્તાવાળાઓની અણઆવડતથી હાલની જૂની જલપરી પણ ભૂલકાંઓને ઉપયોગી થઇ પડતી નથી.

કાંકરિયા લેકફ્રન્ટની વ્યાયામશાળા પાસે વર્ષોજૂની પણ આકર્ષક જલપરી મુકાઇ છે. આ જલપરીની મુસાફરી બાળકો માટે તદ્દન મફત છે, પરંતુ મફત મુસાફરીનું કયાંય ‌િસ્ટકર તંત્રે મૂકયું નથી. એક તરફ કાંકરિયામાં પ્રવેશ લેવા માટે રૂ.૧૦ની ટિકિટ છે. આ તો ઠીક બટરફલાય પાર્કમાં પણ શહેરીજનો પાસેથી પ્રવેશ ફી વસૂલાય છે. બટરફલાય પાર્કની રાઇડની કિંમત અલગ છે. આમ, કાંકરિયામાં ડગલે ને પગલે નાગરિકોને એક અથવા બીજા પ્રકારની બે ચુકવણી કરવી પડતી હોઇ જલપરીની પણ ટિકિટ હશે તેવી લોકોમાં ગેરસમજ ફેલાય છે.

જોકે જલપરીની મુસાફરી બાળકો માટે તદ્દન મફત છે. સવારના દસ-સાડા દસથી લઇને રાતના નવ-સાડા નવ સુધી ભૂલકાં કાંકરિયા તળાવની ફરતેના ર.પ કિ.મી. સુધીના નજારાનો ખુલ્લી જલપરીમાં બેસીને આનંદ માણી શકે છે. તેમ છતાં સત્તાવાળાઓએ ‘મફત પ્રવાસ’ની માર્ગદર્શિકા જલપરી અને તેના પાર્કિંગના સ્થળ પર મૂકી નથી, જેના કારણે નાનાં-નાનાં બાળકો જલપરીનો જોઇએ તેવો લાભ લઇ શકતાં નથી.

જલપરીને ૧૦થી ૧ર બાળકો તૈયાર થતાં નથી ને ઉપાડી લેવાય છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે યોગ્ય માહિતીના અભાવે આટલાં બાળકો પણ મળતાં બહુ વિલંબ લાગતો હોઇ મહદંશે જલપરી ખાલી ખાલી વ્યાયામશાળા ખાતે ભૂલકાંઓની રાહ જોતી જ જોવા મળે છે. જેમણે જલપરી અંગે વ્યકિતગત પૂછપરછ કરીને માહિતી મેળવી હોય છે તે સિવાયના નવાગંતુકો તો સીધે સીધા દૂરથી જ પોતાનાં બાળકોને જલપરી બતાવીને ત્યાંથી આગળ નીકળી જાય છે.

You might also like