આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય મર્ડર કેસમાં તેના પતિ ચિંતનની ધરપકડ

મુંબઈ: આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાયની હત્યાના કેસમાં તેના પતિ ચિંતન ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. ચિંતનને સોમવારે રાત્રે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને આજે સવાર સુધી તેની સઘન પૂછપરછ ચાલી હતી અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હેમાની સાથે વકીલ હરીશની પણ હત્યા થઈ હતી. મુંબઈના કાંદીવલીમાં ૧૩ ડિસેમ્બરના રોજ એક નાળાની અંદર હેમા અને તેના વકીલ હરીશની લાશ મળી હતી. બંનેની લાશો કાર્ડ બોર્ડ બોક્સમાં પેક હતી. તેમની લાશો પર માત્ર અંડર ગારમેન્ડસ હતા. હેમાના હાથ બાંધેલા હતા. બંનેની લાશને પોલિથિનમાં લપેટેલી હતી. એક સ્વીપરે કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંનેની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.

આ મામલામાં અત્યાર સુધી મુખ્ય આરોપી તરીકે વિદ્યાધર રાજભરનું નામ સામે આવ્યું હતું,  પરંતુ પોલીસને હેમાના પતિ ચિંતન પર પણ શક હતો. તપાસ દરમિયાન છેલ્લા ત્રણ મહિના દરમિયાન અનેક વખત વિદ્યાધરને મળ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલ ચાર આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે હેમાના વિદ્યાધર સાથે રૂ. પાંચ લાખની લેવડદેવડનો વિવાદ હતો.

ચિંતન અને વિદ્યાધરની મુલાકાતને પોલીસે શંકાની દૃષ્ટિએ જોઈ હતી. ચિંતનની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ચિંતનને આજે બપોરે અદાલતમાં રજૂ કરવામાં આવશે. ચિંતન વિદ્યાધરને જયપુરમાં મળ્યો હતો. હેમા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આર્ટિસ્ટ હતી. ૨૦૧૩માં હેમાએ પોતાના પતિ ચિંતન વિરુદ્ધ કનડકગતની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ વકીલ હરીશ લડી રહ્યા હતા.

You might also like