કોલકાતા એરપોર્ટ પર ઊભેલા વિમાનને જેટ એરવેઝ બસની ટક્કર

કોલકાતા: કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે ૫.૪૫ કલાકે રનવે પર ઊભેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટને એક બસે ટક્કર મારી હતી. અહેવાલો અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ રન વે પર ઊભી હતી ત્યારે જેટ એરવેઝની બસે તેને પાછળથી ટક્કર મારી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી શકી હતી. એરપોર્ટના ડાયરેક્ટર અનિલકુમાર શર્માના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટ જ્યારે રન વે ઉપર ઊભી હતી ત્યારે જેટ એરવેઝની બસના ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે બસની ટક્કર એન્જિનમાં લાગ્યા બાદ એર ટર્બાઈનના કારણે મોટો ધડાકો થઈ શક્યો હોત અને તેના લીધે મોટું નુકસાન થયું હોત. સદ્નસીબે આવું કાંઇ ન થતા મોટી દુર્ઘટના નિવારાઈ હતી.

આ દુર્ઘટનામાં બસ ડ્રાઈવરની ભૂલ હોવાનું જણાવાયું છે. આ બસની ટક્કરને કારણે વિમાનના એન્જિનને નુકસાન પહોંચ્યું હતું. વિમાનના એન્જિનને ચીરીને આ બસ નીકળી ગઈ હતી. એરપોર્ટના ડાયરેક્ટર અનિલકુમાર શર્માએ જણાવ્યું હતું કે ડ્રાઈવરે આ અંગે પોતાની ભૂલ કબૂલી લીધી છે. પ્રારંભિક તપાસમાં ડ્રાઈવરે કોઈ પણ પ્રકારનો નશો કરવાનું બહાર આવ્યું નથી.

ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે તેને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેટ એરવેઝ સહિત તેના ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. શર્માના જણાવ્યા પ્રમાણે આ ઘટના બાદ ડ્રાઈવરનું લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.

You might also like