ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી ૧૮ વ્યક્તિનાં મોત

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડીથી પહાડી વિસ્તારના લોકો પર તેની વ્યાપક અસર પડી રહી છે. સતત ઠંડીથી અત્યાર સુધીમાં ૧૮ વ્યક્તિનાં મોત થયાં છે. પહાડી વિસ્તારમાં થતી સતત બરફ વર્ષાથી ઠંડીમાં ‍વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં અેકજ દિવસમાં તાપમાનનો પારો સાત ડિગ્રી સુધી નીચે ઊતરી ગયો હતો. અને હજુ પણ તાપમાનમાં ઘટાડો થઈ રહયો છે.

ઉત્તર પ્રદેશના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં હજુ પણ ઘટાડો ચાલુ રહેશે. લખનૌમાં ગત સપ્તાહમાં લઘુતમ તાપમાન ચારથી પાંચ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે ગઈ કાલે પણ ૪.૨ ડિગ્રી તાપમાન રહયું હતું. આ ઉપરાંત કાનપુરમાં ૦.૮ ડિગ્રીઅે પહોંચી ગયું હતું. તેમજ કાશ્મીરમાં સિઝનમાં પ્રથમ વાર સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી.

જ્યારે ઘાટીમાં તાપમાન શૂન્યથી નીચે માઈનસ ડિગ્રી તાપમાન થઈ ગયું હતું. ગુલમર્ગમાં લઘુતમ તાપમાન -૧૧.૦ ડિગ્રી અને શ્રીનગરમાં -૫.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ સિવાય દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં તેજ પવન સાથે શીત લહેર ચાલુ છે.

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષાથી સમગ્ર રાજ્ય શીત લહેરની લપેટમાં આવી ગયું છે. ૨૪ કલાકમાં રાજ્યના લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

You might also like