જેટલી વિરુદ્ધ કેજરીવાલ વતી રામ જેઠમલાણી કમાન સંભાળશે

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય નેતાઓ સામે ડીડીસીએ કૌભાંડના આક્ષેપોના મામલે નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિના દીવાની અને ફોજદારી કેસોમાં અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય નેતાઓ વતી જાણીતા સિનિયર એડ્વોકેટ રામ જેઠમલાણી કોર્ટમાં કેસ લડશે. આ કેસમાં અરુણ જેટલી વિરુદ્ધ ડીડીસીએ ગોટાળાના આક્ષેપો કરનાર ભાજપના સાંસદ કીર્તિ આઝાદને સાક્ષી બનાવવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જેટલી કોર્ટમાં કેસ કરીને અમને ડરાવવાની કોશિશ ન કરે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારો જંગ જારી રહેશે. અરવિંદ કેજરીવાલે વધુ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અરુણ જેટલીએ તપાસપંચ સાથે સહકાર આપીને પોતાની નિર્દોષતા સાબિત કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે જેટલીએ અમારી સામે માનહાનિનો કેસ દાખલ કરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે અને તેઓ પોતાની જાળમાં જ ફસાઇ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેટલીએ કેજરીવાલ અને આપના અન્ય પાંચ નેતાઓ સામે કેસ દાખલ કરીને રૂ.૧૦ કરોડના વળતરની માગણી કરી છે. પતિયાલા હાઉસ કોર્ટના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સંજય ખંગવાલે જેટલીને સમન્સ પહેલાં પુરાવા રજૂ કરવાનો આદેશ આપીને આ કેસની સુનાવણી તા.પ જાન્યુઆરી પર મુકરર કરી છે. હાઇકોર્ટમાં મંગળવારે સંયુકત રજિસ્ટ્રાર આ મામલા પર સુનાવણી કરશે. હાઇકોર્ટમાં આપ તરફથી અરજી દાખલ કરીને જેટલીની અરજી પર સુનાવણી પહેલાં પોતાના પક્ષનું સાંભળવા માટે અરજી કરી છે.

અરુણ જેટલી વતી વકીલ સિદ્ધાર્થ લુથરા કેસ લડી રહ્યા છે અને તેમણે અદાલતને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સહિત આપના નેતાઓ કેન્દ્રીય નાણાપ્રધાનને સતત નિશાન બનાવી રહ્યા છે.

You might also like