અફઘાનમાં ભારતીય દૂતાવાસ પર તાલિબાની હુમલાે નિષ્ફળ બનાવાયો

કાબુલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તા.રપ ડિસેમ્બરે અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની મુલાકાતની પૂર્વસંધ્યાએ અફઘાનિસ્તાનમાં જલાલાબાદ ખાતે ભારતીય દૂતાવાસ પર ત્રાસવાદી હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પોલીસે આત્મઘાતી હુમલાખોરને તે બ્લાસ્ટ કરે તે પહેલાં જ પકડી લીધો હતો.

અફઘાનિસ્તાનમાં જલાલાબાદ ખાતે આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવાની યોજના ઘડી રહેલા એક આત્મઘાતી હુમલાખોરને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. નાગરહાર પ્રાંતના ગવર્નરના પ્રવકતા અતાઉલ્લા લુદીનેે જણાવ્યું હતું કે આ શકમંદ હુમલાખોરની ઓળખ નાસીર તરીકે થઇ છે. નાસીર ઉત્તર-પૂર્વ કપીસા પ્રાંતના તગાબ જિલ્લાનો રહેવાસી છે. તે તાજેતરમાં જ તા‌િલબાનમાં જોડાયો હતો.

એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે. ગત સપ્તાહે પણ સુરક્ષાકર્મીઓએ જલાલાબાદમાં વાહનો પર હુમલાનું કાવતરું ઘડી રહેલા આઇએસના બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. ૩૦ કિ.ગ્રા વિસ્ફોટકો સાથે ઝડપાયેલા અતાઉર રહેમાન અને કારી ઇસ્માઇલે જણાવ્યું હતું કે તેમને ભારતીય દૂતાવાસનાં વાહનોને નિશાન બનાવવા માટે રસ્તા પર સુરંગ બિછાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમને વાણિજ્ય દૂતાવાસની નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાન મોદી રપ ડિસેમ્બરે કાબુલ જનાર છે. તેઓ રશિયાથી પરત આવતી વખતે અફઘાનિસ્તાન જશે. કાબુલનો આ તેમનો પ્રથમ પ્રવાસ હશે.

You might also like