નવા વર્ષમાં મેક્કુલમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે આગામી ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મેક્કુલમે ગઈ કાલે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે ૨૦ ફેબ્રુઆરીએ ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાનમાં રમાનારી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.

મેક્કુલમે અત્યાર સુધી ૯૯ ટેસ્ટમાં ૩૮.૪૮ની સરેરાશથી ૧૧ સદી સાથે ૬,૨૭૩ રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય મેચમાં ત્રેવડી સદી ફટકારનારો તે એકમાત્ર બેટ્સમેન છે. તે ૨૦૧૩માં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો હતો. અત્યાર સુધી મેક્કુલમની કેપ્ટનશિપમાં કિવી ટીમ કુલ ૩૦ મેચ રમી છે, જેમાંથી ૧૧ મેચમાં મેક્કુલમ ટીમને વિજય તરફ દોરી ગયો છે. આ સાથે કિવી ટીમને ૧૧ જીત અપાવનારા જ્યોફ હોવાર્થના રેકોર્ડની તેણે બરોબરી કરી લીધી છે. હવે મેક્કુલમનું ધ્યાન સ્ટીફન ફ્લેમિંગના રેકોર્ડ પર છે, જેની કેપ્ટનશિપમાં કિવી ટીમને ૮૦ મેચમાં ૨૮ જીત મળી હતી. મેક્કુલમની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ આ વર્ષે રમાયેલા વિશ્વકપમાં રનર્સઅપ રહી હતી. ૨૫૪ વન ડે મેચમાં તેણે ૩૦.૩૦ની સરેરાશથી પાંચ સદી સાથે ૫૯૦૯ રન બનાવ્યા છે.

You might also like