તાપીમાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહના પત્ની અને અમરેલીમાં વીરજી ઠુમ્મરની પુત્રી પ્રમુખ બનશે

ગાંધીનગર: રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૦ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપપ્રમુખપદની ચૂંટણી આજે યોજાનાર છે. જેમાં કોંગ્રેસ પક્ષના બે નેતાઓના પરિવારજનને પ્રમુખપદનો તાજ પહેરાવવા આવશે. જેમાં એક પૂર્વ મુખ્યમંત્રીના પત્ની અને કેન્દ્રીય મંત્રીના માતા તેમજ બીજા પૂર્વ સાંસદની પુત્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવાશે.  રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણી માટે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા રપ જિલ્લા પંચાયત અને ૧ર૪ તાલુકા પંચાયતમાં પોતાના સભ્યોને પ્રમુખ-ઉપપ્રમુખપદ માટેના ફોર્મ ભરાવ્યા છે. જેમાંથી નવ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના સભ્યો બિનહરીફ પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાશે.

આ નવ જિલ્લા પંચાયતોમાંથી બેમાં કોંગ્રેસના નેતાઓના પરિવારજન પ્રમુખનો તાજ ધારણ કરશે. જેમાં તાપી જિલ્લા પંચાયતમાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીના માતા ગજરાબહેન અમરસિંહ ચૌધરી જિલ્લા પ્રમુખ બનશે. જ્યારે અમરેલી જિલ્લા પંચાયતમાં પૂર્વ સાંસદ અને પ્રદેશ કોંગ્રેસના કિસાન સંઘના પ્રમુખ વીરજી ઠુમ્મરના પુત્રી જેનીબહેન વીરજીભાઈ ઠુમ્મર જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભરૃચ અને નર્મદા જિલ્લામાં જનતાદળ યુનાઈટેડ સાથે ગઠબંધન કર્યું છે. જેના કારણે આ બંને જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખપદ જનતાદળ યુનાઈટેડના સભ્યને ફાળે આવ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસે અપક્ષ સભ્યોને પોતાની તરફે લઈ લીધા છે. જેના કારણે ગીરસોમનાથમાં કોંગ્રેસના સભ્ય પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે. જ્યારે ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ બંનેના નવ નવ સભ્યો હોવાથી અહીં ટાઈ પડી છે. જેના કારણે અહીં આજે ચીઠ્ઠી ઉછાળીને પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેના ઉમેદવાર નક્કી કરાશે.

You might also like