સ્લમ રિહેબિલિટેશનના મામલે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

ગાંધીનગર: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર)માં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશિપથી શહેરી ગરીબો માટે ઘર નિર્માણમાં ગુજરાત અન્ય તમામ રાજ્યો કરતાં આગળ રહ્યું છે. કેન્દ્રની હાઉસિંગ એન્ડ અર્બન પોવર્ટી વિભાગની દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપરોક્ત માહિતી આપી હતી. આ વિભાગ દ્વારા ૧,૬૯,૩૮૧ નિવાસને પણ શહેરી ગરીબોના કલ્યાણ માટે મંજૂરી અપાઇ હતી. જે દેશના ૮ રાજ્યોના ૧૪૫ શહેરમાં અમલમાં મુકાશે. જે માટે કેન્દ્ર સરકાર રૂ. ૨,૪૪૪ કરોડની સહાય પૂરી પાડશે.

પશ્ચિમ બંગાળના ૭૦ શહેરમાં ૪૭,૦૫૦ યુનિટ, તેલંગાણાના ૨૭ શહેરમાં ૪૫,૨૧૭ યુનિટ, ગુજરાતના ૬ શહેરોમાં ૨૭,૧૮૬ યુનિટ, મધ્યપ્રદેશના ૧૬ શહેરમાં ૧૯,૨૪૧ યુનિટ, ઝારખંડનાં ૧૪ શહેરોમાં ૧૬,૧૪૬ યુનિટ, તામિલનાડુના ૯ શહેરમાં ૭૬૨૧, ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ૫૫૪૮ યુનિટ અને મિઝોરમમાં ૧૩૬૪ યુનિટને આજે કેન્દ્રની હાઉસિંગ એન્ડ અર્બન પોવર્ટી વિભાગે મંજૂરી આપી હતી.

આની સાથે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૧ રાજ્યોના ૨૪૩ શહેરોમાં શહેરી ગરીબો માટે પીપીપી ધોરણે ૪,૨૩,૪૧૫ નિવાસોના નિર્માણ માટે લીલીઝંડી અપાઇ છે. આ તમામ નિવાસોના નિર્માણ માટે કેન્દ્ર રૂ. ૫૯૦૦ કરોડની સહાય આપશે. પીએમએવાય (શહેરી) યોજના હેઠળ કેન્દ્ર દ્વારા પ્રતિ યુનિટ એક લાખ રૂપિયાની સહાય ઇન-સીટુ રિહેલિબિટેશન માટે પૂરી પડાય છે. ઇડબ્લ્યુએસ હેઠળ રૂ. ૧.૫૦ લાખની નાણાકીય મદદ અપાય છે.

You might also like