રાષ્ટ્રગીત બદલવા માંગે છે સુબ્રહ્મણ્યમ સ્વામી ?

નવી દિલ્હી : ભાજપનાં નેતા સુબ્રહમણ્યમ સ્વામી એક પછી એક નવા નવા વિવાદિત મુદ્દાઓ સામે લાવી રહ્યા છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલને કોર્ટ સુધી પહોંચાડનાર સ્વામીએ હવે એક નવો મધપુડો છંછેડ્યો છે. સ્વામીએ રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. સ્વામીએ વડાપ્રધાનને આ પત્ર 30 નવેમ્બર, 2015નાં રોજ લખ્યો હતો. સોમવારે તેમણે ટ્વિટર પર આ પત્ર શેર કર્યો હતો. તેમણે પત્રમાં કહ્યું કે રાષ્ટ્રગીત જન ગણ મન…ને સંવિધાન સભામાં સદનનો મત માનીને સ્વિકારી લેવામાં આવ્યું હતું. તેમણે લખ્યું કે 26 નવેમ્બર,1949નાં રોજ સંવિધાન સભાનાં અંતિમ દિવસે અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે વોટિંગ વગર જ જન ગણ મન …ને રાષ્ટ્રગીતનાં સ્વરૂપે સ્વિકાર કર્યો હતો. જો કે તેમણે સ્વિકાર્યું હતું કે ભવિષ્યમાં સંસદ તેનાં શબ્દોમાં ફેરફાર કરી શકે છે.
સ્વામીએ લખ્યું છે કે તે સમયે સામાન્ય સંમતી જરૂરી હતી કારણ કે ઘણા સભ્યો ચર્ચા ઇચ્છતા હતા, કારણ કે 1912માં કોંગ્રેસ અધિવેશનમાં બ્રિટિશ રાજાનાં સ્વાગતમાં આ ગીત ગવાયું હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સભ્યોની ભાવનાને સમજતા આ કામ ભવિષ્યની સસંદ પર છોડી દીધું હતું.
સ્વામીએ મોદીને અપીલ કરી કે જનગણમન…ની ધુનમાં કોઇ ફેરફાર કર્યા વગર તેનાં અમુક શબ્દોમાં ફેરફાર કરવામાં આવે. સ્વામી જણાવ્યું કે તેમાં સુભાષ ચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલા ફેરફારોને સ્વિકારવા જોઇએ. સ્વામીએ લખ્યું કે નેતાજીએ મોટા ભાગનું ગીત યથાવત્ત રાખીને માત્ર 5 % જેટલા શબ્દોમાં જ ફેરફાર કર્યા છે. જો આ ગીતને સ્વિકારવામાં આવે તો બોઝને સાચી શ્રદ્ધાંજલી ગણાશે.

You might also like