ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે ૨-૦થી શ્રેણી જીતી

હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડે શ્રેણીની બીજી અને અંતિમ હેમિલ્ટન ટેસ્ટ પણ પાંચ વિકેટે જીતી લઈને શ્રીલંકા સામેની શ્રેણીમાં ૨-૦થી વિજય મેળવ્યો છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને જીતવા માટે ૪૭ રનની જરૂર હતી અને તેઓની પાંચ વિકેટ અકબંધ હતી. મેન ઓફ ધ મેચ જાહેર થયેલો કેન વિલિયમ્સન શાનદાર અણનમ સદી (૧૦૮ રન) ફટકારીને પોતાની ટીમને જીત ભણી દોરી ગયો હતો.

બીજી ઇનિંગ્સમાં એક સમયે ન્યૂઝીલેન્ડે ૧૧ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ જીત માટે જરૂરી ૧૮૯ રન ન્યૂઝીલેન્ડની ટીમે પાંચ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. શ્રીલંકાના બોલરે ચામીરાએ પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ સાથે મેચમાં કુલ નવ વિકેટ ઝડપી હતી.

આ વર્ષે કેન વિલિયમ્સનની આ પાંચમી ટેસ્ટ સદી હતી, જે ન્યૂઝીલેન્ડ તરફથી એક રેકોર્ડ છે. આ ઉપરાંત એક કેલેન્ડર વર્ષમાં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેણે પોતાના નામે કરી લીધો છે. અત્યાર સુધી તે ન્યૂઝીલેન્ડ તરફથી ૪૬ ટેસ્ટ રમ્યો છે અને ૧૩ સદી ફટકારી છે. આ શ્રેણીમાં તેણે ૮૯ રનની સરેરાશથી કુલ ૨૬૮ રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડુનેડિનમાં રમાયેલી પહેલી ટેસ્ટ ન્યૂઝીલેન્ડે ૧૨૨ રનથી જીતી લીધી હતી.

શ્રીલંકા પ્રથમ દાવઃ ૨૯૨
ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવઃ ૨૩૭
શ્રીલંકા બીજો દાવઃ ૧૩૩
ન્યૂઝીલેન્ડ બીજો દાવઃ
લાથમ કો. પ્રદીપ બો. ચામીરા ૦૪
ગુપ્ટિલ કો. કરુણારત્ને બો. ચામીરા ૦૧
વિલિયમ્સન અણનમ ૧૦૮
ટેલર કો. વેન્ડરસે બો. ચામીરા ૩૫
મેક્કુલમ કો. મેથ્યુસ બો. ચામીરા ૧૮
સેન્ટનર કો. ચાંડીમલ બો. લકમલ ૦૪
વેટલિંગ અણનમ ૧૩
વધારાના ૦૬
કુલ પાંચ વિકેટે ૧૮૯

ફરી સવાલોના ઘેરામાં આવી DRS
હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આજે સમાપ્ત થયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાના બેટ્સમેન ઉદારા જયસુંદેરાના વિવાદાસ્પદ આઉટ થયા બાદ ક્રિકેટમાં ડીઆરએસ ફરી એક વાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. શ્રીલંકાના બોલિંગ કોચ ચંપકા રામાનાયકેએ ડીઆરએસ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ”ટેલિવિ‍ઝન પર જોયા બાદ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે જયસુંદેરા આઉટ નહોતો. હું અમ્પાયરિંગ અંગે વાત ન કરી શકું અને અમે આ મામલે કોઈ વાત પણ નથી કરી. જે પણ નિર્ણય લેવાયો તેને સ્વીકાર કરવો જ રહ્યો, પરંતુ સમય આવી ગયો છે કે ડીઆરએસ અંગે ગંભીરતાથી ફેરવિચારણા કરવી રહી, કારણ કે તેમાં ઘણી ખામીઓ છે.”
બોલર ડગ બ્રેસવેલના શોર્ટ બોલ પર જયસુંદેરાનો વિકેટની પાછળ વેટલિંગે કેચ કરી લીધો હતો. મેદાન પર હાજર અમ્પાયર પોલ રિફેલે જયસુંદેરાને નોટઆઉટ જાહેર કર્યો, પરંતુ થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબોરોએ રિપ્લે જોયા બાદ તેને આઉટ જાહેર કર્યો હતો. રિયર એંગલ કેમેરાથી જોતાં એ સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે બોલ બેટ્સમેનના ગ્લોવ્ઝને સ્પર્શીને નીકળ્યો છે કે નહીં. જોકે અમ્પાયર રિફેલ અને જયસુંદેરા થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી સંતુષ્ટ નજરે પડ્યા નહોતા.

You might also like