બિહારના પૂર્વ સીએમ માંઝીની પુત્રી પર તેની વહુની હત્યાની ફરિયાદ

પટણા: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીની પુત્રી અને નગર નિગમ વોર્ડ ૧ની કોર્પોરેટર સુનયનાદેવી પર પર તેની વહુ સોનીકુમારીને જાનથી મારી નાખવાની ફરિયાદ ગઇ કાલે ડેલ્હા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ છે.

જહાનાબાદ ડેલ્હા પોલીસ સ્ટેશનમાં સુગાંવ નિવાસી રામદેવ માંઝીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પુત્રી સોનીને તેની સાસુ સુનયનાદેવી, સસરા યોગેન્દ્રપ્રસાદ, પતિ વિક્કીકુમાર, દિયર ગુડ્ડુકુમાર અને યોગેન્દ્રએ નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી છે. તેમાં તેના સાથી ગોપાલપ્રસાદે પણ મદદ કરી હતી. બીજી તરફ પોલીસે જણાવ્યું કે કોર્પોરેટર સુનયનાના પતિ યોગેન્દ્રએ ફોન પર જાણકારી આપી છે કે તેઓ પોતાની વહુને શોધવા નીકળ્યા છે અને ખૂબ જ જલદી અાવીને પોતાનો પક્ષ રજૂ કરશે.

રામદેવ માંઝીએ જણાવ્યું કે રવિવારની સવારે સુનયનાદેવીના પતિ યોગેન્દ્ર પ્રસાદને ફોન કરીને ડેલ્હા બોલાવવામાં આવ્યા. જ્યારે તેઓ તેમને મળવા ગયા તો ગાડીમાં બેસાડી તેમને જહાનાબાદ તરફ લઇ ગયા અને સુમસામ જગ્યાએ લઇ જઇને કહ્યું કે તમારી દીકરી હવે આ દુનિયામાં નથી. જ્યારે તેમણે પુત્રીની લાશ જોવાની ઇચ્છા વ્યકત કરી તો કહ્યું કે અમે તેના અગ્નિસંસ્કાર કરી દીધા છે. રામદેવે જણાવ્યું કે આટલી જાણકારી આપ્યા બાદ યોગેન્દ્રપ્રસાદ, સુનયનાદેવી અને બે અન્ય લોકો તેમને ત્યાં જ છોડીનેે પટણા તરફ ચાલી નીકળ્યા.

રામદેવ માંઝીએ જણાવ્યું કે સોનીનાં લગ્ન માર્ચ ર૦૦૮માં સુનયનાદેવીના મોટા પુત્ર વિક્કી સામે થયાં હતાં. લગ્નના થોડા મહિના બાદ પૈસાની માગણીઓ થવા લાગી હતી.

You might also like