ડિયર જેટલી, મારી સામે કેમ કેસ કરતા નથી? : કીર્તિ આઝાદ

નવી દિલ્હી: દિલ્હી ક્રિકેટ એસોસિયેશનમાં કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીના ભ્રષ્ટાચાર અને નાણાકીય ગોટાળાનો પર્દાફાશ કરનાર ભાજપના સાંસદ કીર્તિ આઝાદે ફરી જેટલીને પડકાર ફેંકતાં ટ્વિટ કરીને જણાવ્યું છે કે જેટલીજી મારા સામે બદનક્ષીનો કેસ કેમ કરતા નથી? કીર્તિ આઝાદે ટ્વિટમાં જણાવ્યું છે કે અરુણ જેટલીએ મારું નામ કેમ હટાવી દીધું છે ? તમે તો મારા પત્રો પણ જોયા હતા, તો પછી કરોને મારી સામે કેસ. આ પત્રો મેં રજિસ્ટર પોસ્ટથી મોકલ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જેટલીએ આપના અનેક નેતાઓ સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જેટલીએ આ માટે આમ આપના નેતાઓ સામે એફઆઈઆર દાખલ કરવાની પણ તૈયારી કરી છે અને જણાવ્યું છે કે તેઓ આપ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. ત્યાર બાદ કીર્તિ આઝાદે ટ્વિટ કરીને જેટલીને પોતાના વિરુદ્ધ માનહાનિનો કેસ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.

કીર્તિ આઝાદે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “હલ્લો ડિયર અરુણ જેટલી, અમારા પર બદનક્ષીનો કેસ કરી રહ્યા છો ને ? પ્લીઝ, બદનક્ષીનો કેસ કરોને. રોકાશો નહીં, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ ન મૂકો.”

કીર્તિ આઝાદે બીજા ટ્વિટમાં લખ્યું છે કે, “મારું નામ કેમ હટાવી દીધું, અરુણ જેટલી ? આમ આદમી પાર્ટીએ તો મારા જ પત્રો બતાવ્યા હતા. કરોને મારા પર કેસ. રજિસ્ટર્ડ પોસ્ટથી મેં આ પત્રો લખ્યા હતા. ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે અગાઉ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે ડીડીસીએ અનેક નકલી કંપનીઓ સાથે કરારો કરીને કરોડો રૂપિયા આપ્યા હતા.

You might also like