2019ના વર્લ્ડકપની ટીમ લગભગ નક્કી, ચહલ-કુલદીપ બે કાંડાના સ્પિનર

ડરબનઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે કહ્યું કે આગામી વર્ષે યોજાનારા વર્લ્ડકપ માટે ફક્ત નંબર ચારના સ્થાનને બાદ કરતાં ભારતીય ટીમ લગભગ તૈયાર થઈ ચૂકી છે. કોહલીએ આ સાથે જ કહ્યું કે જે ખેલાડીઓએ ગત વર્ષે ઘરેલુ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હોય, જરૂરી નથી કે તેઓ ઈંગ્લેન્ડમાં એવા જ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકે.

કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી પ્રથમ વન ડે મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, ”અમારું માનવું છેકે વિશ્વકપ માટે અમારી ટીમ લગભગ બની ચૂકી છે. હવે ફક્ત નંબર ચારની વાત છે. જે ખેલાડીને તક મળશે તેણે તક ઝડપી લેવી રહી. હા, ફેરફાર ગમે ત્યારે થઈ શકે છે. તમે એ નહીં જાણતા હો કે કોણ ફોર્મમાં રહેશે અને કોણ નહીં, પરંતુ જે હું જોઈ રહ્યો છું એના પરથી જાણી શકાય છે કે અમારી ટીમ લગભગ તૈયાર છે.”

કોહલી પોતાની ટીમના કોમ્બિનેશનથી ઘણો ખુશ છે, જેમાં કાંડાના બે સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ચાઇનામેન કુલદીપ યાદવ છે. તેણે કહ્યું, ”હાલ વિશ્વમાં અાપણી પાસે એવી ટીમ છે, જેની પાસે કાંડા બે સ્પિનર છે અને કેદાર જાધવ પણ જરૂર પડ્યે બોલિંગમાં પોતાનું કામ સારી રીતે કરી શકે છે. આથી જ હું કહું છું કે અમારી ટીમ હાલના સમયમાં સંતુલિત ટીમ છે.”

કોહલીએ જણાવ્યું કે, ”કાંડાના સ્પિનર કોઈ પણ સ્થિતિમાં મદદ કરી શકે છે. પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રમી રહ્યા હો… તેઓ ભલે ચોગ્ગા-છગ્ગા ખાય, પરંતુ તમને બે-ત્રણ વિકેટ આપી શકે છે, જેના કારણે અંતમાં અંતર પેદા થાય છે. અા બંને સ્પિનર એકબીજાથી તદ્દન જુદા છે. બંને પાસે વિવિધતા છે.”

દક્ષિણ આફ્રિકા સામે આજથી શરૂ થઈ રહેલી શ્રેણીમાં ટીમ કઈ માનસિકતા સાથે મેદાનમાં ઊતરશે એ અંગે કોહલીએ જણાવ્યું, ”અમે પાછલા કેટલાક મહિનાઓમાં ઘણા વિકલ્પો પર વાત કરી છે, કારણ કે અમારી પાસે વધુ સમય નથી અને વિશ્વકપ પહેલાં અમારે કેટલીક શ્રેણી રમવાની છે, તેથી અમે વધુમાં વધુ કોમ્બિનેશન અજમાવવા ઇચ્છીએ છીએ.”

રહાણે-ધોની અંગે શું કહ્યું?
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ”રહાણે પર ત્રીજા ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં વિચાર થઈ શકે છે, પરંતુ વિશ્વકપમાં તેણે નંબર ચાર પર બેટિંગ કરી હતી અને ફાસ્ટ બોલરને મદદરૂપ પીચ પર પણ તે નંબર ચાર માટે સારો વિકલ્પ બની શકે છે. અમારી પાસે મનીષ પાંડે, શ્રેયસ ઐયર, કેદાર જાધવ છે, જેઓ નંબર પાંચ અને છ પર બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની પણ છે.”

You might also like