રૂપાણી ૨૦૧૭માં ‘વિજય’ અપાવશે?

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે રૂપાણીની જાહેરાત પહેલાંના થોડા દિવસો ભાજપ માટે બહુ કપરા હતા. સંપૂર્ણ પ્રતિષ્ઠા ગુમાવી દીધા પછી પણ આનંદીબહેન ‘મારે ફલાણો મુખ્યમંત્રી ન જોઈએ’ ‘ફલાણાને જ મુખ્યમંત્રી બનાવો’ ‘ફલાણો મુખ્યમંત્રી ન બનવાનું જાહેર કરે પછી જ રાજીનામું આપું’… વગેરે વિધવિધ પ્રકારે પક્ષ પાસે નટબજાણિયાનો ખેલ કરાવતા હતા. આમાં આબરૂ ખરડાઈ રહી છે એમ જાણવા છતાં પક્ષને એમ કરવું પડતું હતું. ન પ્રજાનો કે ન જનપ્રતિનિધિઓનો ટેકો છતાં આનંદીબહેન પક્ષને શીર્ષાસન કરાવી ગયાં.

એક તબક્કે યુપીમાં ભાજપ ચૂંટણી હારી જાય તે નરેન્દ્ર મોદીને પોસાય પણ ગુજરાત ગુમાવે તો પોતાનું નાક કપાયા જેવો જ ઘાટ થાય. દરેક પાસાને ઉપર તળે કરી જોયા પછી મોદી-શાહને જે સૌથી સારો દેખાયો તે માર્ગ અપનાવ્યો છે. ગુજરાતની શીર્ષસ્થ નેતાગીરી ઉત્તર ગુજરાતની હોવા છતાં યાદ હશે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર મોદીની પડખે ઊભું રહ્યું હતું. એટલે હવે સૌરાષ્ટ્રનો મુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતનો નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અમલમાં મુકાઈ છે.

નીતિન પટેલ મુખ્યમંત્રી બને તો ઉત્તર ગુજરાત રાજ્યના શાસનની ધરી જ બની જાય. આમ થતું અટકાવવું જરૂરી હતું એનું અન્ય એક કારણ પણ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખુદ નરેન્દ્ર મોદીના લાંબા કાર્યકાળમાં ઉત્તર ગુજરાતને લાભ મળ્યા એટલા સૌરાષ્ટ્રને મળ્યા નથી. પછી તે મંથર ગતિએ ચાલતું સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન નર્મદાનું કેનાલ નેટવર્ક હોય કે બીજા ક્રમની કલ્પસર યોજના હોય. કલ્પસર યોજનામાં મધ્ય ગુજરાતની નર્મદા, મહી અને સાબરમતી જેવી આંતર રાજ્ય નદીઓનાં સરપ્લસ પાણી દરિયામાં સમાઇ જાય છે તેનો ખંભાતના અખાતમાં સંગ્રહ કરીને સૌરાષ્ટ્રનાં ખેતરોની તરસ છિપાવવાની વાત છે પરંતુ વર્ષોનાં વહાણાં વાયાં પછી આ યોજનાનો હજુ એકડોય ઘૂંટાયો નથી.

રૂપાણીઃ ધરાળ-ઉલાળ વચ્ચે સંતુલન
શા માટે રૂપાણી? સવાલનો જવાબ મેળવતા પહેલાં ‘શા માટે નીતિન પટેલ નહીં?’ એ સવાલનો જવાબ મેળવી લઈએ. ૨૦૦૨ના ભાજપતરફી પ્રચંડ જુવાળમાં પણ નીતિન પટેલ ચૂંટણી હાર્યા હતા તેનાં મૂળમાં તેમની કટ્ટર પટેલની છાપ જ જવાબદાર હતી. ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલને ઠાકોર-ચૌધરી વિરોધી તરીકે, કટ્ટરવાદી તરીકે જ જોવામાં આવે છે અને સરકારમાં પણ એવી જ છાપ છે. નીતિનભાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ભાજપને મોટું નુકસાન જાય. કડીમાં દલિતો સામેના ઘણા ઇશ્યૂ ચાલતા હતા.

એની સામે જૈન સમાજમાંથી આવતા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવીને ભાજપે બેધારી તલવાર માથે ચાલવાનું અઘરું કાર્ય સાંગોપાંગ પાર પાડ્યું છે. જ્ઞાતિવાદી સમીકરણોને વશ થઈને રાજનીતિના સોગઠા ગોઠવવામાં આવે અને પટેલ મુખ્યમંત્રી બનાવાય તો ‘આ તો પાટીદારોનો જ પક્ષ છે’ ઓબીસી મતબેન્ક ગુમાવવાનો વારો આવે. ઓબીસી મુખ્યમંત્રી બનાવે તો ‘પાટીદારોને હળાહળ અન્યાય’ના નારા સાથે પાટીદારો મોં ફેરવી લે.

આ સ્થિતિમાં બિનપટેલ, બિનઓબીસી મુખ્યમંત્રી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. બંને મેઝોરિટી વૉટબેંકને સાચવવા ‘આગળ ધરાળ નહીં અને પાછળ ઉલાળ નહીં’ સ્થિતિનું નિર્માણ કરતા ઓછા અનુભવવાળા રૂપાણીને જ મુખ્યમંત્રીનો તાજ પહેરાવી દેવામાં આવ્યો. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં રાજ્યના કોઈ ખૂણેથી જ્ઞાતિવાદી પરિબળોના વિરોધનો સૂર ઊઠ્યો નહોતો. જ્ઞાતિનું સંખ્યાબળ બતાવીને કોઈ સરકાર પાસે નાકલીટી તણાવી જાય એ સરકાર અને સમાજ બંને માટે ઘાતક સ્થિતિ છે.

નીતિનભાઈના હાથમાંથી બીજી વાર પણ બાજી ગઈ
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં તેમના અનુગામી તરીકે નીતિન પટેલનું નામ જ ચર્ચામાં મોખરે હતું. ત્યારે પણ અત્યારના જેવું જ સસ્પેન્સ સર્જાયું હતું અને છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી તરીકે અનપેક્ષિતપણે આનંદીબહેનના નામની જાહેરાત થઈ હતી. આ વખતે તો હાઇકમાન્ડ તરફથી જાહેરમાં મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ રમતું મુકાયું હતું. ગત શુક્રવારે તેમણે બધાનાં અભિનંદન સ્વીકારી લીધાં હતાં, મીઠાઈઓ અને બાયૉડૅટા પણ વહેંચાઈ ગયાં હતાં, રૂપાણીએ પણ જાહેર કરી દીધું હતું કે તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે સંગઠનની જવાબદારી સંભાળશે પણ છેક છેલ્લી ઘડીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવાયા.

આ વખતે વાંક અમિત શાહનો દેખાતો હશે પરંતુ બંને વખતે મુખ્યમંત્રી ન બન્યા તેમાં આનંદીબહેન જ જવાબદાર છે. રાજ્યમાં સુખરૂપ સ્થિતિ હોત તો બહેનના નિવૃત્ત થયા પછી ૨૦૧૭ની ચૂંટણી નીતિનભાઈના નેતૃત્વમાં જ લડાત, પરંતુ આનંદીબહેનના ભ્રષ્ટ અને અક્ષમ વહીવટને કારણે ભાજપને પાક્કી ખાતરી થઈ ગઈ કે ૨૦૧૭ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનાં બારેય વહાણ ડૂબશે. એ પછી આનંદીબહેન નીતિનભાઈને મુખ્યમંત્રી બનાવવા ગમે તેટલી હઠ કરે તે પક્ષ માને ખરો? આમ, હકીકતે નીતિન પટેલને બંને વખતે આનંદીબહેનના કારણે જ મુખ્યમંત્રીપદથી વંચિત રહેવું પડ્યું છે. અરે, રંગુનથી આવેલા (રૂપાણીનો જન્મ બર્મામાં થયો છે) રૂપાણી મુખ્યમંત્રી બની જતાં નીતિનભાઈએ સમસમીને બેસી રહેવું પડ્યું છે.

જોકે નીચાજોણું થયું એમાં નીતિનભાઈનો પોતાનો વાંક વધારે છે. આટલા પીઢ રાજકારણી થઈને તેઓ બાલિશ વર્તન કરી બેઠા. પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી તેમણે સંયમ જાળવી રાખવાનો હતો. મીડિયા દ્વારા પુછાતા ‘તમે અમિત શાહ-નરેન્દ્ર મોદીના ઇશારે શાસન ચલાવશો?’ જેવા પ્રશ્નોનો જવાબ ટાળવાનો હતો. સત્તાવાર જાહેરાત પહેલાં ઇન્ટરવ્યૂ આપવાનો નહોતો, ઘરમાં બનતી મિઠાઈના વિઝ્યુલ બહાર જાય એટલો હરખ બતાવવાનો નહોતો.

મંત્રીમંડળમાં વેરની વસૂલાત
આનંદીબહેને અમિત શાહ ગ્રૂપના નેતાઓને પ્રધાનમંડળમાં નહોતા સમાવ્યા. તે વેરની વસૂલાત નવા પ્રધાનમંડળમાં અમિત શાહે કરી લીધી છે. ગૃહમંત્રી રજની પટેલ સહિત નવા પ્રધાનમંડળમાં આનંદીબહેનનાં ‘૯ રત્નો’ને હટાવાયાં છે અને તેમના સ્થાને અમિત શાહ ગ્રૂપના પ્રધાનમંડળમાં ૭ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે આનંદીબહેને અમિત શાહને ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યા હતા.

તે વખતે આનંદીબહેનના ચહેરા પર આનંદ અને અમિત શાહના ચહેરા પર છૂપો રોષ જોવા મળ્યો હતો, એથી બિલકુલ વિપરીત ઘટનાચક્ર આ શપથગ્રહણ સમારોહમાં જોવા મળ્યું. અમિત શાહના ચહેરા પર હાસ્ય રમતું હતું અને આનંદીબહેનના ચહેરા પર છૂપો રોષ સાફ વર્તાતો હતો. આખો શપથગ્રહણ સમારોહ શાહ માટે એક પ્રસંગ તથા આનંદીબહેન અને તેમના સમર્થકો માટે એક તમાશા જેવો બની રહ્યો હતો. ભલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આનંદીબહેનના રસ્તે જ ગતિશીલ ગુજરાતને આગળ લઈ જવાશે, વાસ્તવમાં આનંદીબહેનનાં પદચિહ્નો ભૂંસી નાખવાની કવાયત કરાઈ છે.

ભાજપ સાવધાન! ‘આપ’ ઉમેદવાર શોધે છે
જૂના જમાનામાં ગઢ કબજે કરવા માટેના બે-ત્રણ ઉપાયો હતા. એક ઉપાયમાં ઘોડાને ગઢની દીવાલ કુદાવી ઊંઘતા સંત્રીને મારી દરવાજો ખોલીને સૈન્યને અંદર બોલાવવું, બીજો ઉપાય હતો, અડધો ડઝન ઊંટને દરવાજામાં લગાડેલા ભાલા આગળ ઊભા રાખી હાથીને અથડાવી દરવાજો તોડી નાખવો અને ત્રીજો ઉપાય હતો, હજાર ઉંદરને કામે લગાડી દરવાજાના પાયાને કોરી ખાવો. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપર પૈકી ત્રીજો માર્ગ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં કેટલીક ભૂગર્ભ પ્રવૃત્તિઓ ચાલુ કરી દીધી છે અને સમય આવ્યે પૂરા ફોર્સથી ત્રાટકશે.

પ્રથમદર્શી સૂત્રોના જણાવ્યા મુજબ ‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઉમેદવારની પસંદગી માટે જિલ્લાવાર સારા અને પ્રભાવી લોકોની યાદી તૈયાર કરવા કેટલાંક રિટાયર્ડ સનદી અધિકારીઓને પગારથી રોક્યા છે. તેઓ દરેક જિલ્લાના ગ્રાઉન્ડ રિપોર્ટ પણ તૈયાર કરશે. હાલ કેજરીવાલનું સમગ્ર ધ્યાન પંજાબની ચૂંટણીમાં રોકાયેલું છે. પંજાબમાં તેમની જીત પાક્કી મનાય છે. પંજાબની ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં ચૂંટણીની તૈયારી માટે તેમને ૮ મહિના જેટલો જ સમય મળ્યો છતાં ગુજરાતની ચૂંટણીમાં કેજરીવાલ પૂરી તાકાત અજમાવશે એ નક્કી જ છે.

૨૦૧૭ની આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગુજરાતના ઇતિહાસની સૌથી રસપ્રદ અને અનપ્રીડિક્ટેબલ ચૂંટણી બની રહેશે. સમગ્ર દેશનું ધ્યાન ગુજરાતની ચૂંટણી પર રહેશે. હાલની સ્થિતિમાં સૌથી નિરાશા જન્માવે છે ગુજરાત કોંગ્રેસ. સપાટી પરથી ભલે બધંુ ઠીકઠાક દેખાતું હોય પણ અંદરખાને ગુજરાત કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓને એકબીજા સાથે ઘણા અંતર્વિરોધો ચાલી રહ્યા છે. કોંગ્રેસના આંતરિક કલેવરને જાણકાર કોંગ્રેસની સ્થિતિને કંઈક આવી રીતે વર્ણવે છે.

એક કોંગ્રેસમાં અનેક કોંગ્રેસ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એક શંકરસિંહ કોંગ્રેસ, એક મોઢવાડિયા કોંગ્રેસ, એક શક્તિસિંહ કોંગ્રેસ, એક ભરતસિંહ કોંગ્રેસ વગેરે… આ સ્થિતિનું જરા રોચક કલ્પનાચિત્ર બનાવીએ તો કોંગ્રેસ એ એક પ્રવાહી ભરેલો ગ્લાસ છે જેમાં સાવ નીચે એક ઇંચ પાણી છે, તેની ઉપર કપાસિયા તેલ અને તેની ઉપર પેટ્રોલનો સ્તર છે, સાવ ઉપર પેરાફિન ભરેલું છે. આમ, આ ગ્લાસને નથી પી શકાતો, નથી તેની રસોઈ બનતી કે નથી તેનો ઇંધણ તરીકે ઉપયોગ થઈ શકતો.

રૂપાણી સામેના સંભવતઃ પડકારો
સામાન્ય રીતે એવું મનાય છે કે મુખ્યમંત્રી પદ મળે એટલે મહેનતનાં મીઠાં ફળ મળ્યાં. જોકે વિજય રૂપાણીના કિસ્સામાં એવું નથી, કેમ કે તેમણે ખરી મહેનત હવે કરવાની છે, ૨૦૧૭માં ભાજપની ડૂબતી નાવને કાંઠે લાંગરવાની છે. મોદી ગુજરાતમાંથી ગયા પછી પારદર્શી વહીવટને લૂણો લાગી ગયો છે. અમલદારશાહી ઉપર સરકારની કોઈ પકડ દેખાતી નથી.

રાજ્યમાં ગુનાખોરી ફરી માથું ઊંચકી રહી છે. પાટીદાર અને દલિત આંદોલને સામાજિક-રાજકીય માહોલ ડહોળી નાખ્યો છે અને અલ્પેશ પટેલ આણિ ઓબીસી મંડળી શસ્ત્રો ખખડાવી રહી છે. પાટીદારોના પ્રશ્ન સાથે ફિક્સ પગારદાર કર્મચારીઓનો તથા આંગણવાડી કાર્યકરોનો તેમને સરકારી કર્મચારી ગણવા જેવા અનેક પ્રશ્નો પેન્ડિંગ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા વર્કિંગ પુઅર અને બેરોજગારીની છે.

ભાજપને માંડ પડખે ચડેલા દલિત મતદાતાઓને ગુમાવવા પોસાય તેમ નથી. અત્યારે કુલ ૧૩ એસટી અનામત પૈકી ૧૦ સીટ ભાજપ પાસે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર વગેરેનો શહેરી દલિત મધ્યમવર્ગ ભાજપ સાથે છે. ઘણા દલિતો સ્વામિનારાયણમાં જોડાયા છે અને તેઓ ભાજપ સાથે છે.

શહેરોમાં દલિતોના મત મળતા થયા હતા એમાં ઘટ પડશે સાથે ગામડાં અને નાનાં શહેરોમાં વસતા અને અનેક સમસ્યાઓથી પીડાતા ગરીબ લોકોમાં ભાજપને વધુ નુકસાન જશે. જોકે ભાજપ દલિતોને મોટી વૉર્નિંગ તરીકે નથી જોતો. સૂત્રોના કહેવા પ્રમાણે, ભાજપ આ નુકસાનને બીજા સમાજને રીઝવીને સરભર કરશે.

અત્યારે ભાજપ સૌથી વધુ એન્જિનિયરિંગ પાટીદારોમાં કરી રહ્યો છે. પટેલોમાં હજુ પોસિબલ લોસ સંભવ છે, જોકે ચૂંટણી આવતા સુધીમાં સમીકરણો હજુ તળેઉપર થશે. હાલ ભાજપ એટલે પટેલ એવું બતાવવા નથી માગતો અને પટેલ વોટનું નુકસાન બીજા સમાજમાં સરભર કરવા પ્રયત્નો કરશે. અલબત્ત, ભાજપને હજુ પટેલોના મત લેવા જ છે, જતું કરવાના મૂડમાં નથી. કાસ્ટથી વૉટ મેળવતા હતા તેના બદલે ઊંધી સ્ટ્રેટેજીથી કામ કરશે.

પ્રધાનમંડળમાં જિઓગ્રાફિક+સોશિયલ એન્જિનિયરિંગ
નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં સંતો, મહંતો અને હજારો કાર્યકર્તાઓ જોવા મળ્યા પણ જોઈએ તેવો ઉત્સાહ નહોતો દેખાયો. લગભગ નિરસ વાતાવરણમાં ૧૬મા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ પૂરો થયો. સમારોહમાં સ્પષ્ટ વર્તાતું હતું કે કાર્યકર્તાઓમાં ખોવાયેલો ઉત્સાહ પાછો લાવવામાં ભાજપને સમય લાગશે. નવા પ્રધાનમંડળને જોઈને એવી પ્રતીતિ થાય છે કે પક્ષ પણ આ બાબતને લઈને અતિશય ગંભીર છે.

નવા પ્રધાનમંડળમાં પ્રદેશ અને જ્ઞાતિનાં સમીકરણોને બારીકાઈપૂર્વક કામે લગાડાયેલાં જોઈ શકાય છે. એકમાત્ર ખૂંચતી વાત એ જોવા મળી કે સ્થાનિક સ્વરાજમાં ૫૦ ટકા મહિલા અનામતની વાત કરતા ભાજપે એકમાત્ર મહિલા ડો. નિર્મળા વાઘવાનીને રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં સમાવ્યાં છે.

રૂપાણીના પ્રધાનમંડળમાં ૨ કેબિનેટ અને ૫ રાજ્યકક્ષાના મળીને કુલ ૭ ઓબીસી પ્રધાનો છે, જેમાં ઠાકોરમાંથી બે, કોળીમાંથી બે, મેર, ચૌધરી અને આહીરમાંથી એકએક પ્રધાન બનાવાયા છે. ૩ કેબિનેટ અને ૫ રાજ્યકક્ષાના એમ ૮ પાટીદાર પ્રધાનો છે. જેમાં લેઉઆ પટેલ જ્ઞાતિના પાંચ અને કડવા પટેલના ૩ પ્રધાનો છે. ક્ષત્રિય સમાજમાંથી ૧ કેબિનેટ અને ૨ રાજ્યકક્ષાના એમ કુલ ૩ પ્રધાનો છે. પ્રધાનમંડળની રચનામાં નાના સમાજનું પણ ધ્યાન રખાયું છે, આદિવાસીમાંથી ૩ અને જૈન, સિંધી, બ્રાહ્મણ અને દલિત સમાજના ૧-૧ પ્રધાન બનાવાયા છે.

આ વખતે સત્તાની ધરીમાં સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રના ૯ પ્રધાનોમાંથી ૫ કેબિનેટ અને ૪ રાજ્યકક્ષાના છે. મધ્ય ગુજરાતમાંથી ૪ રાજ્યકક્ષાના પ્રધાન, દક્ષિણ ગુજરાતમાંથી ૧ કેબિનેટ અને ૩ રાજ્યકક્ષાના પ્રધાન, અમદાવાદમાંથી ૧ કેબિનેટ અને ૩ રાજ્યકક્ષાના પ્રધાન, ઉત્તર ગુજરાતમાંથી ૨ કેબિનેટ અને ૨ રાજ્યકક્ષાના પ્રધાન પસંદ કરાયા છે. કચ્છના કોઈને નેતાને પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા નથી.

માહોલ ડહોળાયેલો જ રહેશે!
પાટીદાર અનામત આંદોલનને થાળે પાડવા માટે અપાયેલી ઇબીસી અનામતને હાઇકોર્ટે રદ કરી છે એટલે સ્વાભાવિક રીતે જ આગામી સમયમાં પાટીદાર આંદોલન વેગ પકડશે. ભાજપ કાર્યાલય કમલમ્માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત વખતે જે દૃશ્યો સર્જાયાં અને તે પછી અમિત શાહ અને નરેન્દ્ર મોદીના વિરોધમાં કેટલાંક શહેરોમાં દેખાવો થયા તે જોતાં સ્પષ્ટ થાય છે કે સરકાર વિરોધી આંદોલનો આગામી ચૂંટણી સુધી અટકશે નહીં. રાજકીય અને સામાજિક માહોલ પણ ડહોળાયેલો જ રહેશે, જે ૨૦૧૭ની ચૂંટણી સુધી પછી શાંત-સ્થિર થશે તેવી હૈયાધારણ આંતરિક સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.

વિજયભાઈના મિત્રોનું ડર્ટી ડઝન ગ્રૂપ !
વિજય રૂપાણી મુખ્યપ્રધાન પદના શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમના સ્કૂલ-કોલેજના કેટલાંક મિત્રો ‘અભિયાન’ સાથે તેમની યાદો વાગોળી રહ્યા હતા. યોગાનુયોગ એ ફ્રેન્ડશિપ દિવસ પણ હતો. કોલેજકાળ વખતના તેમના મિત્રોનું એક ડર્ટી ડઝન નામનું ગ્રૂપ પણ છે. રૂપાણીના મિત્ર મન્સુરઅલી જસદણવાળા કહે છે, “અમારા ડર્ટી ડઝન ગ્રૂપમાં વિજય પણ છે અને અમે એકાદ-બે માસે મળતાં રહીએ છીએ.”

અન્ય મિત્ર પ્રવીણભાઈ ચોટલિયા કહે છે, “અમારી મિત્રતામાં ક્યારેય હોદ્દાનું અભિમાન આવ્યું નથી. તેઓ આજે પણ ફોનથી સંપર્ક કરે છે અને પરિવારજનોના ખબરઅંતર પૂછે છે.” ૧૯૯૩માં વિજયભાઈના નાના પુત્ર પૂજિતનું અમદાવાદમાં અકાળે અવસાન થયું ત્યારે તેમના મિત્રોએ પોતાનો પુત્ર ગુમાવ્યો હોવાની લાગણી અનુભવી હતી. વિજયભાઈ પૂજિતની સ્મૃતિમાં રાજકોટમાં એક સંસ્થા ચલાવે છે, જે નિરાધાર અને ઝૂંપડપટ્ટીનાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેમનાં પત્ની અંજલિબહેન પણ આ સંસ્થામાં સક્રિય છે.

હિંમત કાતરિયા

You might also like