૨૦૧૬માં ૧૦૦ રેલવે સ્ટેશન ઉપર ફ્રી વાઇ-ફાઇ : પીચાઇ

નવી દિલ્હી : ગૂગલના સીઇઓ સુંદર પીચાઇએ ભારત આવતાની સાથે જ દેશને પ્રથમ ભેટ આપી દીધી હતી. પીચાઇએ ગૂગલ ઇન્ડિયાની ઇવેન્ટમાં જાહેર કર્યું કે મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર જાન્યુઆરીથી ફ્રી વાઇ-ફાઇની સેવા તથા ૨૦૧૬ દરમિયાન દેશના ૧૦૦ જેટલા સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમણે કહ્યું હતું કે આ દુનિયાનો સૌથી મોટો પબ્લિક વાઇ-ફાઇ પ્રોજેક્ટ છે અને અમે તેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરની તૈયારી કરી રહ્યા છીએ અને સાથે સાથે મુંબઇમાં વાઇ-ફાઇને શરૂ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે.

જાન્યુઆરીથી મુંબઇ સેન્ટ્રલ પર યાત્રીઓને ફ્રી વાઇ-ફાઇની સેવાઓ મળી શકશે.ભારતના ગ્રામીણ વિસ્તારો આજે પણ ઇન્ટરનેટથી વંચિત છે. આ સમસ્યાને નિવારવા ગૂગલ ટેલિકોમ કંપનીઓ સાથે મળી ગ્રામીણ ભારતને ઇન્ટરનેટ સાથે જોડવા પ્રોજેક્ટ લૂનની શરૂઆત કરવા જઇ રહ્યું છે. કનેક્ટિવિટીને વધારવા માટે ગૂગલ ભારતમાં ઇન્ટરનેટ માટેની જાગૃતતા વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. પીચાઇએ કહ્યું હતું કે આ પાઇલોટ પ્રોજેક્ટ થકી તેમણે ભારતના એક ગામની મહિલાઓને ઇન્ટરનેટ વિષે બતાવ્યું છે અને તેના પરિણામો ખૂબ જ સકારાત્મક જોવા મળ્યા છે.

આવતા ત્રણ વર્ષમાં ગૂગલ ૩૦૦૦ જેટલા ગામોમાં મહિલાઓને ઇન્ટરનેટ વિશે જાણકારી આપશે. ભારતમાં ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે દેશભરના યુવાનો માટે હૈદરાબાદ ખાતે સેન્ટર ખોલી તેમની ભરતી કરવામાં આવશે. પીચાઇ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ સિવાય તેઓ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરશે.

પીએમ મોદીની પીચાઇ સાથે બીજી મુલાકાત છે. કારણ કે સપ્ટેમ્બરમાં વડાપ્રધાને તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન ગૂગલના મુખ્યાલય જઇને સુંદર પીચાઇ સાથે મુલાકાત કરી હતી. તે સમયે ગૂગલના સીઇઓ દ્વારા ૪૦૦ રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે વાટાઘાટોે થઇ હતી.

You might also like