વિખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરીને ‘અમૃતા’ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ

અમદાવાદ: ભારતીય જ્ઞાનપીઠ દ્વારા 2015નો જ્ઞાનપીઠ એવોર્ડ ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને આપવાની જાહેરાત કરવામાં આવી છે. એક સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાનપીઠ પસંદગી બોર્ડે 51મા જ્ઞાનપીઠ એવોર્ડ માટે રધુવીર ચૌધરીના નામ પર મોહર લગાવી છે. રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા સન્માનિત થનાર ચોથા ગુજરાતી છે. આ બેઠકની અધ્યક્ષતા વરિષ્ઠ સાહિત્યકાર આલોચક નામવર સિંહે કરી હતી.

ગુજરાતના પ્રતિષ્ઠિત ઉપન્યાસકાર ગાંધીવાદી રધુવીર ચૌધરીનો જન્મ વર્ષ 1938માં થયો હતો. તેમણે કવિતા, નાટક જેવા અન્ય સાહિત્યક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તે ઘણા સમાચારપત્રો અને મેગેજીનો સાથે સ્તંભકાર તરીકે જોડાયેલા રહ્યાં છે.

રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથા લેખન દ્વારા સતત વંચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દ્રષ્ટાંત ‘અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની ખાસ કરીને સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. તેમના સાહિત્ય સર્જન પર ગોવર્ધન ત્રિપાઠી, કાકાસાહેબ કાલેલકર, સુરેશ જોશી, પ્રો. જી.એન.ડીકીનો પ્રભાવ જોવા મળે છે. 1997માં તેમની કૃતિ ‘ઉપ્રવાસ કથાત્રયી’ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ નવાજવામાં આવી ચૂક્યાં છે. તેમણે અત્યાર સુધી 80થી વધુ પુસ્તકો લખ્યા છે જેમાં અમૃતા, સહવાસ, અંતર્વાસ, પૂર્વરંગ, વેણુ વાત્સલ (ઉપન્યાસ), તમાશા અને વૃક્ષ પતનમા (કવિતા સંગ્રહ) મુખ્ય છે.

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ ‘જ્ઞાન’ અને ‘પીઠ’ પરથી રાખવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાતીમાં 1967માં ઉમાશંકર જોશી, 1985માં પન્નાલાલ પટેલ અને 2001માં રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યોહતો. 2014નો જ્ઞાનપીઠ પુરસ્કાર મરાઠી સાહિત્યકાર ભાલચંદ્ર નેમાડેને આપવામાં આવ્યો હતો. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલી સાહિત્યકાર જી.શંકર કુરૂપને 1965માં આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાહિત્યકારોને રોકડ પુરસ્કાર, અને સરસ્વતીની મૂર્તિ આપવામાં આવે છે.

You might also like