અમદાવાદ-ગાંધીનગરમાં કાતિલ ઠંડી : નલિયામાં ૫.૬ ડિગ્રી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. જોકે ઉત્તર દિશા તરફથી સતત વહેતા પવનની ગતિ ઘટવા છતાં ઠંડીમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ૫.૬ ડિગ્રી રહ્યું હતુ. જ્યારે ગાંધીનગરમાં તાપમાન ૭.૫ ડિગ્રી રહ્યું હતુ. અમદાવાદમાં પણ તાપમાનનો પારો આઠ ડિગ્રીએ પહોંચી ગયો હતો. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં થોડા દિવસ ઠંડીનું જોર યથાવત રહશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ ઠંડીનું જોર યથાવત રહેશે.

અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન અનુક્રમે આઠ અને ૭.૫ ડિગ્રી થઈ જતા સિઝનમાં પ્રથમવાર પવન સાથે અમદાવાદીઓ અને પાટનગર વાસીઓએ તીવ્ર ઠંડીનો અહેસાસ કર્યેા હતો. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ઠંડી પડી રહી છે. પરંતુ આજે આ બંને શહેરાના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા સિઝનમાં પ્રથમવાર વધુ ઠંડી અનુભવાઈ હતી.

હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના જણાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે.લોકો ઠંડીથી બચવા વિવિધ ઉપાયો કરી રહ્યા છે. લોકો ઘરની બહાર નીકળતા પહેલા ફરજિયાત ગરમ વસ્ત્રો પહેરીને જતા જોવા મળી રહ્યા છે.ઠંડીથી કેટલીક શાળા અને કોલેજોમાં પાંખી હાજરી જોવા મળે છે.

આ ઉપરાંત રાત્રે લોકો સોસાયટીઓ, પોળો કે મહોલ્લાના નાકે અથવા રોડ નજીક તાપણા કરી બેઠેલા જોવા મળે છે. આ સિવાય ખાણીપીણીની બજારો, સ્ટોલ કે પાનની દુકાન અને ગલ્લાં પણ વહેલા બંધ થઈ જાય છે. ચા અને નાસ્તાની લારીઓ પર ભીડ જોવા મળે છે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન આ મુજબ રહ્યુ હતુ.

જેમાં અમદાવાદમાં ૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૭.૫, વડોદરામાં ૧૩.૬, વલસાડમાં ૧૨.૧, અમરેલીમાં ૧૧.૮, ભાવનગરમાં ૧૫, ડીસામાં ૮.૮, સુરતમાં ૧૬.૪, રાજકોટમાં ૧૧.૩, ઓખામાં ૧૫.૭, સુરેન્દ્રનગરમાં ૧૨, નલિયામાં ૫.૬, કંડલા એરપોર્ટ પર ૧૦.૬, કંડલા બંદર પર ૧૦.૫ અને ભુજમાં ૧૨, તેમજ દ્વારકામાં ૧૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

You might also like